Vadodara

વડોદરા: ઐતિહાસિક ઈમારતો પાસેના ગેરકાયદે દબાણો પર પાલિકાની તરાપ

વડોદરા શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાને હલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ લાલ આંખ કરી છે. કમિશનરના કડક આદેશ બાદ પાલિકાની દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આજે શહેરના અતિ વ્યસ્ત એવા ન્યાયમંદિરથી રાજમહેલ ગેટ સુધીના વિસ્તારમાં પાલિકાની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી રોડલાઈનમાં નડતરરૂપ તમામ દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી.
તાજેતરમાં યોજાયેલી સંકલનની બેઠકમાં શહેરના ધારાસભ્યો દ્વારા દબાણો દૂર કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓની આ માંગણી અને લોકોની સુવિધાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાલિકાની વડી કચેરીની નજીક જ આવેલી આ કામગીરીને પગલે ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ન્યાયમંદિર, કીર્તિસ્તંભ અને રાજમહેલ ગેટ વિસ્તારમાં રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા પાથરણાવાળા અને લારી-ગલ્લાના દબાણો હટાવવામાં આવ્યા હતા. વોર્ડ ઓફિસરની હાજરીમાં કરવામાં આવેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં એક આખી ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
મીડિયા સાથેની વાતચીતમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાસ કરીને જે દબાણો રોડલાઈનમાં આવે છે અને વાહનવ્યવહારમાં અવરોધ ઊભો કરે છે તેને પ્રાથમિકતા આપીને દૂર કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે જ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી સંભાવના છે.

Most Popular

To Top