ડભોઇ તાલુકામાં એસ.આઈ.આર.ની કામગીરીમાં ભારે છબરડો
ડભોઇ: ડભોઇ તાલુકામાં ચાલી રહેલી એસ.આઈ.આર. (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરી દરમિયાન ગંભીર છબરડા સામે આવ્યા છે. તાલુકાના કનાયડા ગામડીમાં એક જ સમાજના 224 જેટલા મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવતા નાનકડા ગામમાં ભારે હડકંપ મચી ગયો છે.
ગ્રામજનોનું કહેવું છે કે સંબંધિત તમામ મતદારો જીવંત અને ગામમાં હાજર હોવા છતાં બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) દ્વારા તેમના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને આજે ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં લેખિત ફરિયાદ આપી છે અને ખોટી કામગીરી કરનાર બી.એલ.ઓ. સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મતદારોએ જણાવ્યું હતું કે આ પ્રકારની બેદરકારીભરી કામગીરીથી લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ ડગમગી રહ્યો છે અને યોગ્ય તપાસ વગર નામ કાપવામાં આવવાથી મતાધિકાર છીનવાઈ રહ્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક અસરથી નામ પુનઃસ્થાપિત કરવામાં આવે અને જવાબદાર અધિકારી સામે દંડાત્મક પગલાં લેવાય.
હાલ આ સમગ્ર મામલે મામલતદાર શું કાર્યવાહી કરે છે અને ખોટી કામગીરી માટે જવાબદાર સામે શું પગલાં લેવામાં આવે છે, તે બાબતે સમગ્ર ગામ અને તાલુકાની નજર મામલતદાર પર મંડાઈ છે.
રિપોર્ટર: દીપક જોશી