Comments

પોલીસ અને રાજકારણ વચ્ચેનો ગુનાઇત સંબંધ ખતરનાક પૂરવાર થશે

એન્ટિલિયા કેસનો વિવાદ હવે પોલીસ અને રાજકારણ વચ્ચેનો વિવાદ બની રહ્યો છે કે શું? મહારાષ્ટ્ર પોલીસના સિનિયર ઓફીસર સંજય પાંડે અચાનક રજા પર ઊતરી ગયા અને મુખ્યમંત્રીને લખ્યું કે મારે સર્વિસ પર પાછા ફરવું કે નહીં તેની મુંઝવણ છે. તેઓ ફરી પોલીસ ફોર્સનો ભાગ બનવા નથી માંગતા. સહુ જાણે છે કે મુંબઇ પોલીસમાં કામ કરનારે ડોન – માફિયા, મોટા ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ સાથે ખૂબ સંવેદનશીલ રીતે કામ પાડવું પડે છે.

ગયા વર્ષે સુશાંતસિંહ કેસમાં ય મુંબઇ પોલીસને બિહાર પોલીસ વચ્ચે બખેડો ઊભો થયેલો. આખર કેન્દ્ર અને રાજય સરકારે આખું પ્રકરણ ઢાંકી દીધેલું. હાજી મસ્તાન, દાઉદ ઉબ્રાહીમ જેવા ડોનનું મુંબઇમાં વર્ચસ્વ હતું તેના કારણમાં પોલીસ અને રાજનેતાઓ તેની સાથે ભળેલા હતા.

બાળાસાસેબ ઠાકરે જેવાએ અરુણ ગવલીને એ મુસ્લિમ ડોન સામે ઊભો કરેલો એવું કહેવાય છે. ‘ઘાસીરામ કોતવાલ’ નાટક જોનારા યાદ કરશે કે ગરજ પડે ત્યારે ગુંડાતત્વોનો આધાર લેનાર શાષકો આખર ફસાઇ જાય છે. એજ રીતે પોલીસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવતાં એક દિવસ પોલીસ બળવાના ભોગ બનશે.

હાથરસની ઘટના પછી દેશભરના ૯૦ જેટલા નિવૃત્ત આઇએએસ, આઇપીએસ અને આઇએએફએસ અધિકારીઓએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીને પત્ર લખી જણાવેલું કે આપણું શાષન નિરંતર વંચના અને સંવેદન-હીનતાની ગર્તામાં ઊતરી રહ્યું છે. તેલંગણામાં ત્રણ બળાત્કારીઓને અદાલતી કાર્યવાહી પહેલાં જ પોલીસના હાથે મારી નંખાવાયેલા. પોલીસ પાસે આવો ‘ન્યાય’ તોળાવવા જતાં પહેલાં સરકારે વિચારવું જોઇએ.

આપણે ત્યાં ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એક અપરાધીને મુંબઇથી ગુજરાત લાવતી વેળા વચ્ચે જ એન્કાઉન્ટર કરાયેલું. મુખ્યમંત્રી મોદીના સમયમાં જે એન્કાઉન્ટર થયા તે તો ખૂબ વિવાદો જગાવી ચુકયા છે. સૌ જાણે છે કે લોકોને નહીં તેટલા શાષકોને વફાદાર  રહીને જ પોલીસ તંત્રએ કામ કરવું પડે છે. આ કારણે જ પોલીસના ભ્રષ્ટાચાર પણ માફ કરી દેવાય છે. હા, મામલો નાકથી ઉપર જાય ત્યારે એવા પોલીસે બરતરફ થવું પડે તે જુદી વાત.

આજે કોઇ માનતું નથી કે પોલીસ નિષ્પક્ષ રીતે કામ કરે છે અને એ બધું આઝાદી પછી સતત બનતું આવ્યું છે. પોલીસને સુધારવા માટે પ્રયત્નો થાય છે પણ તેને બગાડવા માટે શાષકો પોતે જ પૂરતા છે. શું ગોધરાકાંડ વખતે ગુજરાત પોલીસ સાંપ્રદાયિક રીતે નહોતી વર્તી? ઉત્તરપ્રદેશમાં તો એવું સતત બને છે અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી વિભૂતિ નારાયણ રાયે ઉત્તરપ્રદેશ પોલીસના સાંપ્રદાયિક ચરિત્ર વિશે શોધનિબંધ પણ લખ્યો છે. તેઓ મેરઠ અને મલિયાનાનાં દંગાઓના સાક્ષી રહ્યા હતા એટલે આધાર સાથે તેમણે પોલીસની સાંપ્રદાયિક વર્તણુંક વિશે લખ્યું છે.

મુંબ પોલીસ કેટલી ભ્રષ્ટ છે તે વિશે બે વર્ષ પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોએ આંકડા આપતા કહેલું કે વિત્યા આઠ વર્ષમાં ૭,૭૧૬ જેટલા ભ્રષ્ટાચારના મામલા સરકારી લોકો સામે દાખલ કરાયા છે. આવું કોઇપણ રાજયના પોલીસ વિશે નોંધી શકો. રાજકારણ પોલીસતંત્રને હંમેશા પોતાની અપેક્ષા મુજબ જ રાખે છે. તેમને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવે તો સૌથી મોટી મુસીબત શાષકોને જ થાય.

ચુંટણી વખતે સૌથી મોટી મદદ પોલીસ પાસેથી જ લેવાતી હોય છે અને આ કોરોના વખતે પણ પોલીસને અમર્યાદ છૂટ આપવામાં આવી હતી. એ છૂટ નાગરિકોના જ લાભાર્થે હતી તેવું કહી નહીં શકાશે પણ નાગરિકોની ફરિયાદ સાંભળવામાં નથી આવતી. અગાઉના વર્ષોમાં ડાકુવાળી ફિલ્મો બનતી ત્યારે પોલીસના વેશમાં ડાકુઓ ત્રાટકતા અને આજે પણ નકકી પોલીસ વેશ ધરી લોકોને પરેશાન કરી શકાય છે.

‘સૈયાં ભયે કોતવાલ, અબ ડર કાહેકા’ કહેવત ઘણી જૂની છે. પણ એન્ટી કરપ્શન બ્યુરો, સી.બી.આઇ.નાં કામાજ પર પણ ભરોસો થાય તેમ નથી તો પોલીસનો શું ભરોસો? આજના સમયમાં ‘રક્ષક’ની સૌથી વધુ જરૂર શાષકોને પડે છે. તેઓ વિવિધ કક્ષાની ઝેડપ્લસ સુરક્ષામાં ફરે છે.

પણ તેમણે જાણવંુ જોઇએ કે ઇન્દિરા ગાંધીની હત્યા કરનારા તેમના ‘રક્ષક’ જ હતા. પોલીસની સાથે શાષકો જે રમત રમી રહ્યા છે તેનું એન્ટિલિયા નિમિત્તે જે ઉદાહરણ ઊભું થઇ રહ્યું છ તે ખતરનાક છે.

અનેક લોકો કહે છે કે દાઉદ ઇબ્રાહીમ ભારત એટલા માટે નથી લવાતો કે તે આવે તો મુંબઇ પોલીસ અને ત્યારના અનેક રાજનેતાઓની પોલી ખૂલી જાય. અત્યારે એન્ટિલિયા નિમિત્તનો કેસ મુંબઇ પોલીસ અને શાષકો વચ્ચેની ઉંદર – બિલાડી રમત બની ગયો છે. ઉધ્ધવ ઠાકરે પણ બહુ મોટું દબાણ છે અને એ દબાણ જ તેમના માટે મુશ્કેલી ઊભી કરશે. દેશમાં બીજા રાજયો પાસે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ નથી હોતા. હોય તો તેની વારંવાર ગરજ નથી પડતી. મુંબઇને પડે છે.

આ પોલીસ સરકારી તંત્રનું પણ એન્કાઉન્ટર કરી શકે છે. સવાલ એ છે કે કોણ કોનું કરે ને કયારે કરે? આ તો મળતી તકની વાત છે. પણ આપણે એક ખૂબ ખરાબ સમયમાં આવી ચૂકયા છીએ. પોલીસને સહુથી વધુ શાષકો અને તેમની નીતિઓ જ બગાડે છે એ બહુ સ્પષ્ટ છે.

       – બ.ટે

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top