Columns

અનુગામીની પસંદગી

નગરના રાજાને કોઈ સંતાન ન હતું એટલે રાજગાદી માટે અનુગામી પસંદ કરવા માટે તેમણે મંત્રીઓ અને રાજગુરુની સાથે ચર્ચા કરી. નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે દરેક યુવાનો પોતે રાજા બનવા માટે પોતાની દાવેદારી નોંધાવવા દરબારમાં આવે. દરેકને રાજાએ એક એક બી આપ્યું અને કહ્યું કે, ‘તમને બધાને એક વિશેષ બીજ આપવામાં આવ્યું છે તેને ઘરે જઈને ઉગાડજો અને જાળવજો, ત્રણ મહિના પછી તેને લઈને આવજો. જે છોડ ઉગ્યો હશે અને છોડની જેવી જાળવણી કરવામાં આવી હશે તે પરથી હું મારા રાજ્ય અને પ્રજાની જાળવણી કરનાર રાજા તરીકે પસંદ કરીશ.’ બધા યુવકો બીજ લઈને ઘરે ગયા.

આ યુવકોમાં એક રાઘવ નામનો યુવાન હતો બીજ  લઈને તે પણ ઘરે ગયો. એક મોટા કૂંડામાં નવી માટી ખાતર નાખીને તેણે બી વાવ્યું. રાઘવ રોજ પાણી પીવડાવતો પણ બી માંથી કઈ ઊગ્યું જ નહીં!! એક મહિનો પસાર થયો… બે મહિના પસાર થયા… રાઘવ રોજે રોજ કુંડાની પાસે જઈ પાણી પાતો તેનું નિરીક્ષણ કરતો પણ બીજમાં કુંપળ ફૂંટી જ નહિ. બીજી બાજુ ગામમાં બીજા યુવકો પોતે જે બીજ વાવ્યું છે તે કેટલું સરસ ઉગ્યું છે, કેવા ફૂલો આવ્યા છે, કેટલા નાના મોટા પાન આવ્યા છે, કેવી કુંપળો ફૂટી છે એવી જાત જાતની ભાત ભાતની વાતો કરતા અને રાઘવ ને પસ્તાવો થતો કે મારી જ કોઈ ભૂલ છે મારું જ બીજ ઉગતું નથી.

 ત્રણ મહિના પૂરા થયા રાજાના અનુગામીની પસંદગીનો દિવસ હતો. એક પછી એક બધા જ યુવાનો વિવિધ જાતના જુદા જુદા છોડના સુંદર સુંદર કુંડાઓ લઈને દરબારમાં આવવા લાગ્યા. બિચારો રાઘવ પોતાના ન ઉગેલા બીજના ખાલી કુંડાને લઈને સૌથી છેલ્લે ધીમે ધીમે દરબારમાં એક ગયો. રાજાજી આવ્યા એક પછી એક યુવાનો જાતજાતના કુંડામાં ભાત ભાતના છોડ રાજા પાસે જઈને દેખાડવા લાગ્યા. એક રાઘવનો વારો આવ્યો રાઘવે સંકોચાઈને પોતાનું છોડ વિનાનું કુંડું લઈને રાજાની સામે ગયો. રાજા ઊભા થઈ ગયા રાઘવ બોલ્યો, ‘મને માફ કરજો રાજાજી, તમે આપેલા બીજમાંથી હું કંઈ જ ઉગાડી શક્યો નથી.

રાજા સીધા તેને જઈને ભેટી પડ્યા અને રાઘવને યુવરાજ તરીકે ઘોષિત કરી દેવામાં આવ્યો. બધાને જ બહુ નવાઈ લાગી રાજાએ કહ્યું, ‘ મેં જે બીજ બધાને આપ્યા હતા તે બીજમાંથી કંઈ જ ઉગે તેમ હતું જ નહીં. છતાં બધા જ કંઈક ને કંઈક ઉગાડીને લાવ્યા એટલે બધા જ ખોટા છે, બધાએ જ દગો કર્યો છે અને જ્યારે રાઘવ તું એક જ પ્રમાણિક નીકળ્યો અને મને મારા અનુગામી તરીકે મારા રાજ્ય અને મારી પ્રજાને સાચવવા માટે એક સાચા દિલના પ્રમાણિક યુવકની જરૂર હતી એટલે આજથી તું યુવરાજ રાઘવ છે અને મારા બાદ રાજગાદી તને જ મળશે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top