શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આજે સાંજે જપ્ત કરેલા વાહનોને ખસેડતી વખતે રિક્ષાઓની વચ્ચે એક હાડપિંજર મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશનના કેમ્પસમાં મળેલા હાડપિંજરને લઈને પોલીસનો સ્ટાફ પણ બહાર દોડી આવ્યો હતો. મળેલી ખોપડી અને થાપાના હાડકાને એફએસએલ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ખટોદરા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટેશનની પાછળ મોટી સંખ્યામાં જપ્ત કરેલા વાહનોનો ઢગલો થયો છે.
મોટા ભાગના વાહનો ભંગારમાં જાય તેવી સ્થિતિમાં છે. કેમ્પસમાં વાહનોનો ભરાવ થવાથી કોઈ વ્યક્તિ પાછળ સુધી જતું નથી. દરમિયાન આજે આ વાહનોને ખસેડવાની કામગીરી દરમિયાન ક્રેઈનમાં કામ કરતા રાજેશ ડામોરની નજર રીક્ષાઓની વચ્ચે પડેલી ખોપડી ઉપર ગઈ હતી. ખોપડી જોઈને ગભરાયેલા રાજેશે દોડતા આવીને પોલીસ સ્ટેશનમાં હાડપિંજર મળ્યું હોવાની બૂમો પાડી હતી. પોલીસનો કાફલો તાત્કાલિક બહાર દોડી આવ્યો હતો.
તપાસ કરતા બે રીક્ષાઓની વચ્ચેથી ખોપડી અને થાપાના હાડકા મળી આવતા એફએસએલ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ હાડપિંજર એક અસ્થિર મગજના વ્યક્તિનું હોવાની સંભાવના છે. એક વ્યક્તિ આવીને રીક્ષામાં સુઈ રહેતો હતો. પરંતુ છેલ્લા ત્રણેક મહિનાથી આ વ્યક્તિ દેખાતો નથી. મળેલું હાડપિંજર આ વ્યક્તિનું હોવાની પોલીસને આશંકા છે.