વડોદરાના 10 સર્કલો પર સઘન સર્ચ ઓપરેશન, બાળકોને ભિક્ષા નહીં શિક્ષાના માર્ગે વાળવાનો પ્રયાસ
બાળકોને કરાયા કટોરા મુક્ત

(પ્રતિનિધિ), વડોદરા. તા.28
સંસ્કારી નગરી વડોદરાને બાળ ભિક્ષુક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે આજે એક સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC), એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ (AHTC) અને ચાઈલ્ડ હેલ્પ લાઈનના સંયુક્ત ઉપક્રમે બે વિશેષ ટીમો બનાવી શહેરના મુખ્ય ટ્રાફિક જંક્શનો પર તપાસ અને કાઉન્સેલિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ટીમોએ શહેરના અત્યંત વ્યસ્ત એવા ચકલી સર્કલ, અલ્કાપુરી સર્કલ, ગેંડા સર્કલ, ફતેગંજ સર્કલ, એલ.એન.ટી. સર્કલ, અમિતનગર સર્કલ, એરપોર્ટ સર્કલ, સંગમ ચાર રસ્તા, નિઝામપુરા અને એસ.એસ.જી. હોસ્પિટલ જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી. ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસે હાથ ફેલાવતા કુલ 11 જેટલા બાળકો અને તેમના વાલીઓને શોધી કાઢી, તેમની અટકાયત કરી યોગ્ય સમજણ આપવામાં આવી હતી. તમામ બાળકો અને તેમના વાલીઓને તાત્કાલિક અસરથી બાળ ગોકુલમ સંસ્થા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં નિષ્ણાતો દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. વાલીઓને સખત શબ્દોમાં તાકીદ કરવામાં આવી હતી કે, “બાળકો પાસે ભિક્ષા મંગાવવી એ ગંભીર ગુનો છે.” બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને ભીખ માંગવાના રસ્તેથી હટાવી શિક્ષણના માર્ગે વાળવા માટે સમજાવવામાં આવ્યા હતા. ફતેગંજ સેવન સીઝ મોલ પાસેના ખુલ્લા મેદાનમાં વડના ઝાડ નીચે રહેતા અને ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા પરિવારોનું પણ સ્થળ પર જ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી ગઢવી અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સંવેદનશીલ અભિગમ સાથે સહકાર આપવામાં આવ્યો હતો. આ ઝુંબેશને સફળ બનાવવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના પી.આઈ. શ્રી આસુંદરા તથા પી.એસ.આઈ. ડી.વી. સિંદે અને તેમની ટીમનો વિશેષ સહયોગ રહ્યો હતો. ચાઈલ્ડ હેલ્પલાઈન અને CWC ના સભ્યોની જહેમતને કારણે વડોદરાના માર્ગો પર ભિક્ષા માંગતા માસૂમોને નવું જીવન આપવાની દિશામાં વધુ એક મક્કમ ડગલું ભરાયું છે.
બાળકોનું સ્થાન રસ્તા પર ભીખ માંગવામાં નહીં, પણ શાળાના વર્ગખંડમાં છે. વડોદરાને બાળ ભિક્ષુક મુક્ત કરવું એ આપણી સામાજિક જવાબદારી છે.” મેહુલ લાખાણી – ચેરમેન, ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, વડોદરા