( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા મહાનગર પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ યથાવત જોવા મળી રહી છે. ત્યારે, બુધવારે પાલિકાની દબાણ શાખાની ટીમ નિઝામપુરામાં ત્રાટકી હતી. જ્યાં પેન્શનપુરામાં શેરોન પાર્કમાં રસ્તાને અવરોધ રૂપ ઓટલા અને કમ્પાઉન્ડ વોલના દબાણો દૂર કરવામાં આવ્યા હતા



વડોદરા શહેરમાં પાલિકાએ ફરી એકવાર સપાટો બોલાવ્યો છે. દબાણો કરવામાં આવતા રસ્તો સાંકડો બનતા પાલિકાએ દબાણો પર બુલડોઝર ફેરવી દીધુ હતું. પ્રાપ્ત માહિતી મુજબ નિઝામપુરાના પેન્શનપુરામાં ટીપી-12 વિસ્તારના શેરોન પાર્કમાં આવેલ 9 મીટર રોડ પર થયેલા દબાણ સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગ, વોર્ડની ટીમ અને દબાણ શાખાની ટીમે ફતેગંજ પોલીસ મથકના પોલીસ બંદોબસ્તને સાથે રાખી કાર્યવાહી હાથધરી હતી. જેમાં નવ મીટરના રોડમાં અવરોધરૂપ બનેલા દબાણોને તોડી પાડયા હતા. કમ્પાઉન્ડ વોલ અને ઓટલાના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે, હવે આ કાર્યવાહીને કારણે વિસ્તારના સ્થાનિક લોકો માટે માર્ગ વ્યવસ્થા વધુ સુચારુ બની હતી. નોંધનીય છે કે, પાલિકાની દબાણ શાખા દ્વારા જ્યારે જ્યારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જે બાદ દબાણો પુનઃ ખોટકાઈ જતા હોય છે.