( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા શહેરમાં પવનોની દિશા બદલાતા ફરી ઠંડીના તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 29 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 11.8 ડીગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું હતું. જ્યારે, હવામાન વિભાગ દ્વારા હજી પણ તાપમાનમાં ઘટાડો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં પવનોની દિશા ઉત્તર તરફથી પશ્ચિમની થઈ છે. પવનોની દિશામાં થઈ રહેલા બદલાવને કારણે સમગ્ર શહેરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વહેલી સવારે વિઝીબિલિટી ઘટી રહી છે. ગાઢ ધૂમમ્સ રહેતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. વાતાવરણમાં ઠંડીનો સામાન્ય ઘટાડો થયો છે. આવતીકાલથી ઠંડીનું જોર વધશે. તથા ગુરુવારથી ઠંડીનો પારો 3 થી 4 ડિગ્રી ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. એક બાદ એક પશ્ચિમી વિક્ષોભ આવતાં ઠંડીમાં વધઘટ રહેશે. આ સાથે તેમણે જણાવ્યું કે, 27મી જાન્યુઆરીથી દિવસનું તાપમાન થોડું થોડું વધવાની શક્યતા છે. ફેબ્રુઆરી માસમાં ધીરે ધીરે દિવસનું તાપમાન વધવાની શક્યતા રહેશે. પરંતુ, રાતમાં લઘુત્તમ તાપમાન ઘટી જઈ શકે છે.