વડોદરા, તા. 28
કોટંબી ખાતે આવેલા બીસીએ (BCA) ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી ટાટા વુમન પ્રીમિયર લીગ (WPL)ની RCB વર્સેસ MI મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટો રમતા ચાર શખ્સોને જરોદ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ચાર મોબાઈલ ફોન તથા રૂ. 38 હજાર રોકડ મળી કુલ રૂ. 38,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મેચ દરમિયાન સ્ટેડિયમમાં બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરી રહેલા જરોદ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે સાઉથ વિંગના ત્રીજા માળે લેવલ-4 (S-L4-B4) વિસ્તારમાં કેટલાક શખ્સો લાઈવ મેચ પર મોબાઈલ મારફતે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમે છે. માહિતીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમિંગ સાઈટનો ઉપયોગ કરી WPLની RCB અને MI ટીમ વચ્ચે ચાલી રહેલી લાઈવ મેચમાં રન ફેર અને સેશનના સોદાઓ કરીને સટ્ટો રમતા હોવાની કબૂલાત કરી હતી.
જરોદ પોલીસે મહંમદરફી ખાજાવલી શેખ, કોન્ડયા રામૈયા કામનાબોયના, મહંમદ શબ્બીર ગૌસેભાષા (ત્રણે આંધ્રપ્રદેશના રહેવાસી) તથા વિશાલ વાસુદેવ મોર્ય (હાલ વાઘોડીયા, વડોદરા; મૂળ ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી છે. પોલીસે ચાર મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.