( પ્રતિનિધિ )વડોદરા,તા.28
વડોદરા શહેરમાં ફરી એકવાર વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. અટલાદરા વિસ્તારમાં વીજ લાઈનની રીપેરીંગની કામગીરી દરમિયાન વીજ પોલ પર ચડેલા કર્મચારીને વીજ કરંટ લાગ્યો હતો. જે બરડાના ભાગે દઝાઈ જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના અટલાદરા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર પાસે એમજીવીસીએલના કર્મચારીઓ લાઈનની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન 45 વર્ષીય કર્મચારી મહેશભાઈ વાણીયા કામગીરી માટે વીજપોલ પર ચડ્યા હતા. જોકે, અચાનક તેમને વીજ કરંટ લાગતા તેઓ વીજ પોલ ઉપર ફસાઈ ગયા હતા. જેથી પોલ પર આગ લાગી હતી અને આગની ચપેટમાં આવતાં કર્મચારી પીઠના ભાગે દાઝી ગયા હતા. આ ઘટના અંગેની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા વાસણા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, તેઓ પહોંચે તે પહેલા જ વીજ કંપનીના ફરજ પર હાજર કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્ત મહેશભાઈ વાણિયાને રેસ્ક્યૂ કરીને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. વીજ લાઈન બંધ કરીને ઈજાગ્રસ્ત કર્મચારી મહેશભાઈને નીચે ઉતાર્યા બાદ તાત્કાલિક અટલાદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વીજ લાઈનની મરામતની કામગીરી સમયે એક ફીડર લાઈન ચાલુ હતી અને બીજી ફીડર લાઈન બંધ હતી. ત્યારે, આ ઘટના કેવી રીતે બની અને કોની બેદરકારી છે તે તપાસનો વિષય છે. મેન્ટેનન્સની કામગીરી સમયે વીજ લાઈન બંધ કેમ ન કરવામાં આવી તેવા પણ સવાલો આ ઘટના બાદ ઉઠવા પામ્યા હતા.