દેશમાં ગયા વર્ષના માર્ચ મહિનાના અંત ભાગે લોકડાઉન શરૂ થયું હતું તેને હવે એક વર્ષ થઇ રહ્યું છે ત્યારે હાલ રસીકરણ શરૂ થઇ ગયું હોવા છતાં દેશના અનેક રાજ્યોમાં કોરોનાવાયરસના કેસોમાં ફરીથી આવેલા ઉછાળાને કારણે વિવિધ નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે અને કેટલાક સ્થળે તો થોડાક સમય માટેના લૉકડાઉન પણ અમલી બનાવવામાં આવ્યા છે જે બાબત લૉકડાઉનની વરસી ટાણે ફરીથી દેશવ્યાપી લૉકડાઉન આવવાનો ધ્રાસ્કો લોકોમાં સર્જી રહી છે.
ગયા વર્ષે બાવીસમી માર્ચે દેશભરમાં જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો જે ઘટનાને સોમવારે એક વર્ષ થઇ રહ્યું છે, આ જનતા કર્ફ્યુની સાથે જ દેશવ્યાપી નિયંત્રણોની શરૂઆત થઇ હતી, ૨૪મી માર્ચની રાત્રે આઠ વાગ્યે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને તે જ રાતના બાર વાગ્યાથી, એટલે કે ૨૫મી માર્ચથી દેશવ્યાપી ૨૧ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી, જે લૉકડાઉનને બાદમાં એકથી વધુ વખત લંબાવવામાં આવ્યું હતું.
આ લૉકડાઉનને એક વર્ષ થઇ રહ્યું છે ત્યારે તેની સફળતાની ઉજવણીને બદલે દેશમાં ફરીથી લૉકડાઉનો પાછા ફરી રહ્યા છે તે એક કઠોર વાસ્તવિકતા છે. મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દોર અને જબલપુર શહેરોમાં શનિવારની રાતના દસ વાગ્યાથી સોમવારની સવારના ૬ વાગ્યા સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને રવિવારે આખો દિવસ આ ત્રણેય શહેરોમાં કડક લૉકડાઉનનું પાલન કરાવવામાં આવ્યું હતું જે બાબતે ગયા વર્ષના લૉકડાઉનની યાદ તાજી કરાવી હતી.
કોરોનાવાયરસના વધેલા કેસોને ધ્યાનમાં રાખીને મધ્ય પ્રદેશ સરકારે આ ત્રણેય શહેરોમાં મર્યાદિત કલાકોના આ લૉકડાઉનની જાહેરાત કરી હતી, જે મુજબ શનિવારની રાતના દસ વાગ્યાથી આ ત્રણેય શહેરોમાં લૉકડાઉન શરૂ થઇ ગયું હતું અને રવિવારે સવારે લોકો લૉકડાઉનના માહોલમાં જાગ્યા હતા. ગત વર્ષના દેશવ્યાપી લૉકડાઉનની જેમ જ આ લૉકડાઉનનો પણ પોલીસે સખત અમલ કરાવ્યો હતો અને નિયંત્રણોનો ભંગ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ લૉકડાઉન દરમ્યાન ભોપાલ, ઇન્દોર અને જબલપુરમાં પેટ્રોલ પંપો અને શાકભાજીની દુકાનો પણ બંધ હતા, ફક્ત અતિ આવશ્યક સેવાઓ જ ચાલુ હતી.
મધ્ય પ્રદેશનું આ લૉકડાઉન આ વર્ષનું પહેલું લૉકડાઉન નથી, મહારાષ્ટ્રના નાગપુર જેવા સ્થળોએ પણ તેનો અમલ થઇ ચુક્યો છે. મધ્ય પ્રદેશના મોટા શહેરોમાં, ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુનો અમલ તો ચાલુ જ છે અને રાજસ્થાન પણ આઠ શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલી બનાવી રહ્યું છે ત્યારે દેશના લોકોમાં ઉચાટનો માહોલ છે.