ગાંધીનગર: 77મા પ્રજાસત્તાક પર્વના અવસરે રાજ્યની નગરપાલિકાઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના નગરો અને શહેરોમાં જાહેર જનહિતકારી વિકાસ પ્રોજેક્ટ્સ સરળતાથી અમલમાં મૂકી શકાય તે માટે નગરપાલિકાઓને 11 પ્રકારની પાયાની સુવિધાઓ વિકસાવવા વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આ જનહિતલક્ષી નિર્ણયથી રાજ્યની 152 નગરપાલિકાઓ પર પડતું આર્થિક ભારણ નોંધપાત્ર રીતે ઘટશે, જેના કારણે નાગરિક સેવાલક્ષી વિકાસ પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે.
આગાઉ વિકાસ કામો માટે સરકારી જમીન મેળવવા નગરપાલિકાઓને બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની રકમ ભરવી પડતી હતી. હવે આ રકમમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે. સાથે જ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે.
મુખ્યમંત્રીના નિર્ણય અનુસાર નીચેની જાહેર સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે સરકારી જમીન ફાળવવામાં આવશે:
- નગર સેવા સદન
- ફાયર સ્ટેશન
- સ્યુએજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
- ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન
- વોટર સપ્લાય પ્રોજેક્ટ્સ
- સોલિડ અને લીક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ
- સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામગીરી
- આંગણવાડી
- ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર
સિટિઝન-સેન્ટ્રિક અભિગમ, નગરોના સર્વાંગી વિકાસને વેગ મળશે.
આ નિર્ણય પાછળ સિટિઝન-સેન્ટ્રિક અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેથી નાગરિકોને આવશ્યક સુવિધાઓ સરળતાથી અને સમયસર મળી શકે. આ નિર્ણયથી વિકાસ પ્રોજેક્ટ્સ ઝડપથી શરૂ થઈ શકશે, જેના કારણે નગરોના સર્વાંગી વિકાસને વેગ મળશે. સાથે જ નાગરિકોને પાણી, ગટર, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ વધુ ઝડપી અને અસરકારક રીતે ઉપલબ્ધ થશે.