હાલમાં જ સુરતના પૂણામાં વેચાણના નામે ઠગાઈની ચોંકાવનારી ઘટના બની છે જે અનુસાર હાલ દુકાનો વેચાણ કરનાર પક્ષે ખરીદનારને વેચતી વખતે આ દુકાનો પર કોઈ પણ પ્રકારનો બોજો નહીં હોવાનું જણાવીને લોન પર લીધેલી ત્રણેય દુકાનો લાખો રૂપિયામાં વેચી દીધી હતી. જેની ફાઈનાન્સ કંપનીને જાણ થતાં જ દુકાનો પર સીલ લગાવી દીધું હતું, જેના પરિણામે દુકાનો ખરીદનાર રેડીમેડ કાપડના વેપારીએ લાખો રૂપિયા ગુમાવ્યા હતા.
આ અંગે બેન્કો અને ફાઈનાન્સ કંપનીઓની નૈતિક ફરજ રાખી જવાબદારી બને છે કે લોન પર ચાલતી કોઈ પણ પ્રકારની મિલકત પર જ્યાં સુધી લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી કલરપેન્ટ નોટીસ લગાવવી જોઈએ કે આ મિલકતની લોન હજુ ચાલે છે. એટલે જે તે બેન્ક કે ફાઈનાન્સ કંપની સાથે સંપર્ક કરીને જ આ મિલકતની ખરીદી અંગે વ્યવહાર કરવો જેથી ભવિષ્યમાં આવી મિલકતો ખરીદનાર સાથે આવી ઠગાઈ નહીં થાય. જનહિતમાં જરૂરી છે.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજનો સમાજ
આંતરજ્ઞાતિય લગ્ન તો ભારતીય સંસ્કૃતિમાં મહાભારત કાળથી અર્જુન અને સુભદ્રાનાં લગ્ન થયાં હતાં જે કૃષ્ણની બહેન યદુવંશ અને ક્ષત્રિય વચ્ચે થયા હતા. હાલમાં ગાયિકા કિંજલ દવેએ જાણીતા એકટર પ્રોડયૂસર ધ્રુવિન શાહ સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરવાનું નક્કી કર્યું એને કારણે તેના કુટુંબનો સામાજિક બહિષ્કાર કરાયો. જાણે કે આભ ફાટી પડયું હોય કે ધરતી રસાતાળ થઇ ગઇ હોય એવી સમાજનાં લોકોએ પ્રતિક્રિયાઓ આપી. હરિયાણા જેવાં રાજયોમાં આજે પણ ખાપ પંચાયતોનો ખોફ છે. પરંતુ ગુજરાત જેવા વિકસિત રાજયમાં આજના સમયમાં પણ આવી ઘટના બને એ ચિંતાજનક છે. અરે ભાઇ, નરસિંહ મહેતા જેવા નિડર ભજનિક હરિજનોને ત્યાં ભજન ગાવા માટે ગયા ત્યારે પણ સામાજિક બહિષ્કારનું શસ્ત્ર અજમાવ્યું હતું. વળી ગાંધીજીના કિસ્સા તો જગજાહેર છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.