સાવલી તાલુકામાં ભીષણ માર્ગ અકસ્માતથી અરેરાટી
સાવલી:;સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં ગણપતપુરા પાટિયા નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મંજુસર પોલીસ સ્ટેશન હદમાં આવેલા ગણપતપુરા ગામના બોર્ડ પાસે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વલ્લભભાઈ સોમાભાઈ પટેલ (ઉંમર 75 વર્ષ), રહે. સનાદરા, ગળતેશ્વરનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. બનાવના પગલે આસપાસના લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.
અકસ્માતની જાણ થતાં મંજુસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. બનાવ અંગે મંજુસર પોલીસે ફરિયાદ નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.