સુરત સહિત સમગ્ર દેશમાં આજે અખિલ ભારતીય બેંક હડતાળને પગલે બેકિંગ સેક્ટરનાં કામકાજને પ્રતિકુળ અસર જોવા મળી હતી. શનિવાર – રવિવાર અને 26મી જાન્યુઆરી બાદ આજે બેંકના કર્મચારીઓ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામતાં મોટા ભાગનાં કેશ ટ્રાન્સજેકશન અને ચેક ક્લિયરિંગ જેવા નાણાંકીય વ્યવહારો અટવાઈ ગયા હતા. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા પાંચ દિવસ વકિંગ ડેની માંગ સાથે રજા જાહેર કરવાની માંગ સાથે હડતાળ કરવામાં આવી છે.
ડિસેમ્બર મહિનામાં 23 જાન્યુઆરીએ ચોથા શનિવાર બાદ રવિવાર અને ત્યારબાદ ગણતંત્ર દિવસની રજા બાદ આજે સતત ચોથા દિવસે સરકારી બેંકોનું કામકાજ પ્રભાવિત થયું છે.
અલબત્ત, ખાનગી બેંકોમાં નાણાંકીય વ્યવહારો રાબેતા મુજબ ચાલી રહ્યા છે. બેંક યુનિયનો અને સરકાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી સપ્તાહમાં પાંચ દિવસ વકિંગ ડેની માંગણી મુદ્દે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ગત 2024માં ઈન્ડિયન બેંક એસો. અને યુનિયનો વચ્ચે 12મી દ્વિપક્ષીય સમજુતિ દરમિયાન તમામ શનિવારનાં રોજ રજા જાહેર કરવા પર સમજુતિ બની હતી. પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી. જેને કારણે આજે વધુ એક વખત યુનિયનો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
યુનિયનો દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે, તેઓ એક સંતુલિત કાર્યપ્રણાલીની માંગણી કરી રહ્યા છે અને તેને બદલામાં સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસે 40 મિનિટ વધારાનું કામ કરવા માટે પણ તૈયાર છે. હાલમાં માત્ર બીજા અને ચોથા શનિવારે જ બેંકો બંધ રહે છે જ્યારે આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારની કેચરીઓ પણ સોમવારથી શુક્રવાર સુધી જ કાર્યરત હોય છે.
આ સિવાય સ્ટોક એક્સચેન્જ અને મની માર્કેટ જેવા સેક્ટરોમાં પણ સપ્તાહમાં માત્ર પાંચ દિવસ જ કામકાજ થતું હોય છે. બે વર્ષથી સરકારને સત્તાવાર રીતે ભલામણ કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી કોઈપણ પ્રકારની મંજુરી ન મળતાં આજે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું.