સિંગલ જજના આદેશ સામે ડિવિઝન બેંચમાં પડકાર, ફેબ્રુઆરીમાં ગુણદોષ પર સુનાવણી
પ્રતિનિધિ : દેવગઢ બારિયા
દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ સંદર્ભે મહત્વનો કાનૂની વળાંક આવ્યો છે. આ મુદ્દે હાઈકોર્ટના સિંગલ જજના આદેશ સામે હવે હાઈકોર્ટની ડિવિઝન બેંચમાં અપીલ કરવામાં આવી છે. આ અપીલ પર આગામી ફેબ્રુઆરી માસમાં ગુણદોષના આધારે વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેસની હકીકત મુજબ, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે તા. 7 ઓક્ટોબર, 2025ના રોજ બહાર પાડવામાં આવેલી એજન્ડા નોટિસને પડકાર આપી અવિશ્વાસની દરખાસ્તને ગેરકાયદેસર ગણાવી હતી. આ નોટિસના આધારે યોજાયેલી સામાન્ય સભામાં બહુમતીથી અવિશ્વાસનો ઠરાવ પસાર થતાં તેમને પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હતા.
અરજદાર તરફે શિવાંગી પટેલ વર્સીસ સ્ટેટ ઓફ ગુજરાત તેમજ નરીન જયસ્વાલ કેસના ચુકાદાઓનો હવાલો આપવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં. અરજદાર ધર્મેશ કલાલ તા. 5 માર્ચ, 2025ના રોજ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે તા. 17 ઓક્ટોબર, 2025ના રોજ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.
આ આધારે અરજદારે તા. 17 ઓક્ટોબરના ઠરાવને રદ કરવા તેમજ તા. 10 નવેમ્બર, 2025ના રોજ યોજાયેલી નવી પ્રમુખ પદની ચૂંટણીને પણ રદ કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે આ ચૂંટણીમાં ધર્મેશ કલાલ પરાજિત થયા હતા.
સામે પક્ષે દલીલ કરવામાં આવી હતી કે એકવાર નવી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જાય ત્યારબાદ તેમાં ન્યાયિક હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. જોકે હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા તા. 17 ઓક્ટોબરના રોજ પસાર કરાયેલા અવિશ્વાસનો ઠરાવ રદ કરી અગાઉ જેવી પરિસ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
અપીલકર્તા તરફે દલીલ કરવામાં આવી છે કે સિંગલ જજના આદેશ બાદ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ધર્મેશ કલાલ હારી ગયા હતા અને સિંગલ જજે આ ચૂંટણીને રદબાતલ ઠેરવી નથી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે આ ચૂંટણી માત્ર “સ્ટોપ-ગેપ એરેન્જમેન્ટ” તરીકે યોજાઈ હતી.
હાલની સ્થિતિ મુજબ દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મેશ કલાલ કાર્યરત છે. હવે આ સમગ્ર મામલે સિંગલ જજના આદેશ સામે દાખલ અપીલ પર હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા ફેબ્રુઆરી માસમાં ગુણદોષના આધારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકા પંચાયતમાં પણ અગાઉ આ પ્રકારનો સમાન કાનૂની ઘટનાક્રમ બની ચૂક્યો છે.
રિપોર્ટર: નવીન સિક્લીગર