Editorial

રાજ્યમાં ટીપી સ્કીમોના વિસ્તારની જમીનો આપોઆપ બિનખેતીની કરી દેવા સરકારની તૈયારી

કોઈપણ શહેરમાં જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં આવે ત્યારે તેનો મતલબ એવો થાય છે કે આ જગ્યાનો ટાઉન એટલે કે શહેર તરીકે વિકાસ કરાશે. જે વિસ્તારને શહેર તરીકે નક્કી કરવામાં આવે તો પછી તે વિસ્તારમાં કોઈપણ જગ્યા ખેતીની હોવી જોઈએ નહીં. જોકે, ગુજરાત સરકારે જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી ત્યારે જમીન ખેતીની છે કે નહીં? તે મુદ્દે અનેક વિસંગતતાઓ રાખી હતી. ટીપી સ્કીમ બની હોય તો પણ તેવા વિસ્તારમાં જમીનમાલિકોએ પોતાની ખેતીની જમીનને બિનખેતીની કરાવવી પડતી હતી.

જમીનને બિનખેતીની એટલે કે એનએ કરાવવા માટે મોટી રકમનો ભ્રષ્ટાચાર ચાલતો હતો. મહેસૂલ વિભાગ અને રાજ્યના વિવિધ કલેકટરાલયોમાં જમીનને એનએ કરાવવા માટે લાખો રૂપિયાનો પ્રસાદ ધરાવવો પડતો હતો. તાજેતરમાં સુરેન્દ્રનગરના કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ અને તેની ટોળકી દ્વારા પણ આ જ રીતે જમીનને એનએ કરવા માટે કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી હતી. કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના પ્રકરણ બાદ છેક હવે રાજ્ય સરકાર જાગી છે અને જ્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમનો અમલ થયો હોય ત્યાં જમીનને એનએ ગણી લેવા માટેની કવાયત શરૂ કરી છે.

રાજ્ય સરકાર દ્વારા હવે મહેસૂલના મામલે ધરખમ સુધારાઓ કરવા માટેની સક્રિય વિચારણા શરૂ રકરી દીધી છે. ગાંધીનગરમાં ગુરૂવારે કેન્દ્ર સરકારના અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના તમામ વિભાગના સચિવોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ખાતરી આપી હતી કે રાજ્યભરમાં જ્યાં ડ્રાફ્ટ કે પછી અંતિમ ટીપી યોજનાઓ બનાવવામાં આવી છે તે વિસ્તારોમાં એનએ પરવાનગી મેળવવાની જોગવાઈ રદ કરવાની તૈયારીમાં છે.

એનએની પરવાનગીની પ્રક્રિયાને કારણે વિકાસના કામોમાં વિલંબ થતો હતો. કેટલાક કિસ્સામાં તો આ સમય બેથી ત્રણ વર્ષ સુધીનો થતો હતો. જેને કારણે ઉદ્યોગો, રિઅલ એસ્ટેટના પ્રોજેક્ટ, હોસ્પિટલ, વાણિજ્યિક સંકુલ અને મિશ્ર ઉપયોગના પ્રોજેક્ટ્સ પર પ્રતિકૂળ અસરો પડતી હતી. વિલંબને કારણે પ્રોજેક્ટ્સનો ખર્ચ વધી જતો હતો અને તેને કારણે રાજ્યના વિકાસ પર અસર પડતી હતી. આ કારણે એનએની પરવાનગીએ જિલ્લા કલેકટરાલયમાં ભ્રષ્ટાચારને જન્મ આપ્યો હતો.

જોકે, હવે રાજ્ય સરકારે એવી તૈયારીઓ કરી છે કે જ્યાં ટીપી સ્કીમ અમલમાં છે ત્યાં તમામ જમીન એનએ જ ગણાશે. ખરેખર તો જ્યારે ટાઉન પ્લાનિંગનો કાયદો બન્યો ત્યારે જ ટીપી સ્કીમમાં આવેલી જમીનોનો એનએ ગણવાની જોગવાઈ સરકારે કરી દેવી જોઈતી હતી પરંતુ જે તે સમયે આ જોગવાઈ કરવામાં આવી નહોતી અને તેને કારણે આશરે ચારથી પાંચ દાયકા સુધી જિલ્લા વહીવટી તંત્રમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો રહ્યો હતો.

હવે સરકાર દ્વારા આ નિર્ણય કરાયા બાદ આ ભ્રષ્ટાચાર પર બ્રેક લાગી જશે. સાથે સાથે એક મોટો ફાયદો થશે કે જ્યાં ટીપી સ્કીમો બનાવવામાં ઘણો સમય લાગતો હતો ત્યાં હવે ઝડપથી ટીપી સ્કીમો બનવા માંડશે. કારણ કે ટીપી સ્કીમ બન્યા બાદ જે તે જમીનને એનએ કરાવવાની જરૂરીયાત નહીં રહે. રાજ્ય સરકારે પોતે આ નિર્ણય કરનાર હોવાની જાહેરાત કરી દીધી છે પરંતુ હવે તે અંગે સત્તાવાર જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવે અને તેનો અમલ ક્યારથી કરવામાં આવે છે તે જોવું રહ્યું. સરકાર જો ઝડપથી આ નિર્ણયનું જાહેરનામું બહાર પાડશે તો વિકાસની પ્રક્રિયા ઝડપી બનશે તે ચોક્કસ છે.

Most Popular

To Top