મકરપુરા વિસ્તારમાં આવેલા માણેજા ક્રોસિંગ પાસે સ્કૂલ બસના ચાલકે મહિલાને અડફેટે લઈ જીવલેણ ઈજા પહોંચાડી.


(પ્રતિનિધિ), વડોદરા. તા.23
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા અને બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજ રોજ શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનથી માણેજા ક્રોસિંગ તરફ જવાના માર્ગ પર એક બેફામ ગતિએ આવતી સ્કૂલ બસ GJ 06 AX 1421ના ચાલકે ટુ-વ્હીલર GJ 06 LR 7284 સવાર મહિલાને જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ છે. એક મહિલા પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને માણેજા ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન પાછળથી આવતી એક ખાનગી સ્કૂલ બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી મહિલાને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા રસ્તા પર પટકાઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક ઈજાગ્રસ્ત મહિલાની મદદ કરવાને બદલે બસ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસીને ફરાર બસ ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. શહેરમાં વધતા જતા અકસ્માતોને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.