Vmc આવતીકાલથી વ્યવસાય વેરાના બાકીદારો સામે પણ લાલઆંખ કરશે
મિલકત વેરામાં રૂ. 503 કરોડની વસુલાત છતાં તંત્ર કડક; વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન નહીં હોય તો પણ સીલિંગની કાર્યવાહી નક્કી
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને આવકનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. લાંબા સમયથી બાકી મિલકત વેરો અને વ્યવસાય વેરો ન ભરનારા કરદાતાઓ વિરુદ્ધ કોર્પોરેશન દ્વારા આવતીકાલે તારીખ 24 જાન્યુઆરીથી વોર્ડવાઈઝ સીલિંગની કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે.
કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, માત્ર મિલકત વેરો જ નહીં પરંતુ વ્યવસાય વેરા બાબતે પણ તંત્ર ગંભીર છે. જે વેપારીઓ કે સંસ્થાઓએ હજુ સુધી વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અથવા જેમના લાંબા સમયથી ટેક્સ બાકી છે, તેમના વિરુદ્ધ વ્યવસાય વેરા અધિનિયમ મુજબ મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકત અને વ્યવસાય વેરાના બિલોની બજવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. કરદાતાઓ પરનું ભારણ ઘટાડવા માટે અત્યારે ‘વ્યાજ માફી યોજના’ અમલમાં છે, રહેણાક મિલકતો બાકી વ્યાજ પર 80% ની માફી તેમજ
બિન-રહેણાક મિલકતો બાકી વ્યાજ પર 50% ની માફી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કરદાતાઓ આ યોજનાનો લાભ લઈને વેરો નહીં ભરે, તો તેમને જપ્તી અને સીલિંગ જેવી કડક પ્રક્રિયાનો સામનો કરવો પડશે.
શહેરના તમામ 19 વોર્ડમાં દરરોજ અંદાજે 800 જેટલી બિન-રહેણાક મિલકતોને સીલ કરવાની કામગીરી ચાલુ છે.
આશરે 40,000 જેટલી રહેણાક મિલકતોના ધારકોને વેરો બાકી હોવા બદલ નોટિસો ફટકારવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક કાર્યવાહીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે મિલકત સીલ થવાની નામુશ્કેલીથી બચવા માટે વહેલી તકે વ્યાજ માફી યોજનાનો લાભ લઈ વેરો ભરી દેવો.
વડોદરાના તમામ 19 વોર્ડમાં હાલમાં વેરા વસુલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીની વસુલાતની વિગત.
વેરાનો પ્રકાર / વસુલાતની મિલકત વેરો/અંદાજે રકમ
Rs.503 Cr
વ્યવસાય વેરો Rs.60 Cr