ગેરરીતિના પુરાવા સાથે નગરસેવકોની પ્રાદેશિક કમિશ્નર અને રાજ્ય સરકારને રજૂઆત
ડભોઇ :
ડભોઇ નગરપાલિકાના બહુચર્ચિત કોન્ટ્રાક્ટર વસીમ પઠાણને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે નગરસેવકો દ્વારા પ્રાદેશિક કમિશ્નર, વડોદરા તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવતા ડભોઇના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નગરસેવકો દ્વારા ગેરરીતિના આધારભૂત પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડભોઇ નગરપાલિકા દ્વારા રંગઉપવનથી શિનોર ચોકડી સુધી રોડની બાજુમાં પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી, જે કામગીરી છોટાઉદેપુરના કોન્ટ્રાક્ટર વસીમ પઠાણ દ્વારા કરવામાં આવી હતી. નગરસેવકોના આક્ષેપ મુજબ આ કામગીરીમાં ટેન્ડરની શરતોને બાજુ પર રાખીને કામ કરવામાં આવ્યું હતું.

ટેન્ડરની શરતોનો ભંગ થયાનો આક્ષેપ
નગરસેવકોના જણાવ્યા અનુસાર ટેન્ડરમાં નક્કી કરેલ MP-3 ISI માર્કાની 0.7 કિ.ગ્રા. પ્રેશર સહન કરી શકે તેવી પાઈપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમજ 6 ફુટ ઊંડું ખોદકામ અને 7 ફુટ પહોળાઈનું કામ કરવામાં આવ્યું નથી. 3 ફુટ પહોળાઈમાં 6 ઇંચ રેતીનો બેડ બનાવવામાં આવ્યો નથી, પાઈપના ટેસ્ટિંગ રિપોર્ટ લેવામાં આવ્યા નથી તથા બે પાઈપ વચ્ચે રબર રીંગ મૂકવામાં આવી નથી.

આ ગેરરીતિ સામે નગરસેવકો દ્વારા અરજી કરવામાં આવતા મામલો વધુ ન વકરે તે માટે કોન્ટ્રાક્ટરને નાખવામાં આવેલી પાઈપો કાઢી લેવાની ફરજ પડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જે બાબતે નગરમાં ચોરે ને ચૌટે ચર્ચા ચાલી રહી છે.
અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ
ઉલ્લેખનીય છે કે અગાઉ રંગઉપવન બગીચાની મુલાકાત બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધપક્ષના નેતા દ્વારા પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા તેમના વિરુદ્ધ બદનક્ષીના નિવેદનો આપવાની વાતો પણ ચર્ચામાં આવી હતી. નગરમાં એવી પણ ચર્ચા છે કે કોન્ટ્રાક્ટર દ્વારા પોતે પત્રકાર હોવાનો રુઆબ બતાવી દબાણ કે ધમકી આપવાના પ્રયાસો થયા હતા, પરંતુ તે વાતો પણ હવામાં વિલીન થઈ ગઈ હતી.
અધિકારીઓના નિર્ણય પર સૌની નજર
નગરસેવકોનું કહેવું છે કે જો પ્રાદેશિક કમિશ્નર દ્વારા તપાસ કરીને કોન્ટ્રાક્ટર વસીમ પઠાણને બ્લેકલિસ્ટ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર સામેની લડાઈ સફળ ગણાશે. હાલ સમગ્ર ડભોઇની નજર ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાતી કાર્યવાહી અને ચુકાદા પર મંડાયેલી છે.
રિપોર્ટર: દીપક જોશી