SURAT

દુઃખિયાના દરબાર પાસે ઈન્ફ્લુએન્સરે દારૂ પી બે બાઈકને ઉડાવી, લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરત શહેરના માટા વરાછા વિસ્તારમાં ગઈકાલે ગુરુવારે રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર પરથી કાબુ ગુમાવતા બે બાઈક સવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે બાઈક સવાર ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે રોષે ભરાવેલા લોકોએ ઈન્ફ્લુએન્સરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, મોટા વરાછામાં આવેલા દુઃખિયાના દરબાર પાસે ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ પોતાની કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે પોતાના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર જઈ રહેલા બે બાઈકસવારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઈક તો કારની નીચે ફસાઈ ગઈ હતી અને લાંબે સુધી મોટરસાયકલ ઢસડાઈ હતી. છતાં પોતાની કાર ઉભી રાખી ન હતી.

અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ જ્યારે કારચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધૂત હતો. ફક્ત એટલું જ નહી કારની તપાસ કરતાં અંદરથી એક દારૂની નાની બોટલ પણ મળી હતી.

ગુજરાતમાં દારૂબંધી હોવા છત્તાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંને બાઈકસવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, અકસ્માત બાદ એકઠા થયેલા ટોળાએ હિરેન પટેલને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉત્રાણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે ટોળામાંથી સિરેન પટેલને છોડાવી તેની અટકાયત કરી હતી. હાલમાં પોલીસ દ્વારા દારૂ પીવા અંગે અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની ડિન્ક એન્ડ ડ્રાઇવ ના કેસ માં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top