તંત્ર અને અધિકારીઓના આંખ આડે કાન; સ્થાનિકોનો સવાલ- ‘શું આ ગંદકી જોવા માટે જ તમને ચૂંટ્યા છે?’
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના મધ્યમાં આવેલા વોર્ડ નંબર 14ના દાંડિયા બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈનો ઉભરાવાની સમસ્યાએ માઝા મૂકી છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે આ વિસ્તારના રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

દાંડિયા બજાર વિસ્તારમાં અનેક પૌરાણિક અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. શ્રદ્ધાળુઓનો આક્ષેપ છે કે, મંદિરે પગપાળા જતી વખતે ગટરના ગંદા પાણી પરથી પસાર થવું પડે છે. “ગંદા પગે મંદિરમાં પ્રવેશ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, શું શાસકોને અમારી આસ્થાની કોઈ પડી નથી?” તેવો વેધક સવાલ ભક્તો કરી રહ્યા છે.

ગટરના પાણી સતત રોડ પર વહેતા હોવાને કારણે રસ્તાઓ અત્યંત ચીકણા બની ગયા છે. આના કારણે વાહનો સ્લિપ થવાથી નાના-મોટા અકસ્માતો રોજિંદી ઘટના બની ગઈ છે. બાળકોએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેનાથી ત્વચાના રોગો અને અન્ય ચેપી બીમારીઓનો ખતરો વધ્યો છે. માથું ફાડી નાખે તેવી દુર્ગંધને કારણે લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે દુર્ગંધ એટલી તીવ્ર છે કે ઘરમાં બેસીને જમવું પણ અશક્ય બની ગયું છે.

સ્થાનિક રહીશોએ નગરસેવકો સામે આક્ષેપ છે કે ”ચૂંટણી સમયે મોટા-મોટા વાયદાઓ કરીને વોટ માંગવા આવતા કાઉન્સિલરો અત્યારે આ રસ્તા પરથી પસાર થાય છે, છતાં તેમને આ ગંદકી દેખાતી નથી? શું અધિકારીઓ પાસે આનું કાયમી સોલ્યુશન લાવવાની આવડત નથી?”

સમગ્ર વિસ્તારના લોકો અત્યારે ‘ત્રાહિમામ’ પોકારી રહ્યા છે. જો આગામી દિવસોમાં આ ડ્રેનેજ લાઈનનું કાયમી ધોરણે રિપેરિંગ કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ હવે ક્યારે જાગશે, તે જોવું રહ્યું.