ગાંધીનગર: “સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુરૂપ, ૭૭મા પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના કર્તવ્યપથ પર ગુજરાત એક આકર્ષક અને ઐતિહાસિક ઝાંખી રજૂ કરશે. ‘વંદે માતરમ’ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં તૈયાર કરાયેલી આ ઝાંખીમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને સ્વતંત્રતા સંઘર્ષની ગાથાને રોચક રીતે રજૂ કરવામાં આવશે. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં નવી દિલ્હીમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 13 ઝાંખીઓ સહિત કુલ 30 ટેબ્લો રજૂ થનાર છે.

પ્રાપ્ય માહિતી અનુસાર, ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ગુજરાતની ઝાંખીમાં નવસારીમાં જન્મેલા વીરાંગના મેડમ ભિખાઈજી કામા, શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણા સહિતના ક્રાંતિવીરોના યોગદાનને વિશેષ સ્થાન અપાયું છે. વિદેશી ભૂમિ પરથી ‘વંદે માતરમ’ લખિત ધ્વજ લહેરાવવાની ઐતિહાસિક ઘટનાને આ ઝાંખીમાં જીવંત રીતે રજૂ કરવામાં આવી છે. ટેબ્લોના અગ્રભાગમાં મેડમ ભિખાઈજી કામાની અર્ધ-પ્રતિમા સાથે તેમનો ઐતિહાસિક ધ્વજ દર્શાવવામાં આવ્યો છે, જે તેમણે 1907માં પેરિસમાં પ્રથમ વખત લહેરાવ્યો હતો. ઝાંખીના મધ્યભાગમાં વર્ષ 1906થી 1947 સુધીની રાષ્ટ્રધ્વજની વિકાસયાત્રા રજૂ થાય છે. કોલકાતાના પારસી બાગાનથી લઈને એન્ની બેસન્ટ-બાળગંગાધર તિલકના હોમરૂલ ધ્વજ, પીંગળી વેંકૈયાના ત્રિરંગા અને અંતે 22 જુલાઈ 1947ના રોજ બંધારણસભા દ્વારા સ્વીકૃત અશોક ચક્રવાળા ત્રિરંગા સુધીની યાત્રા આ ઝાંખીનું મુખ્ય આકર્ષણ છે.

ટેબ્લોના અંતિમ ભાગમાં ‘ચરખા’ દ્વારા સ્વદેશી અને સ્વતંત્રતાનો સંદેશ આપનારા મહાત્મા ગાંધીનું શિલ્પ અને વિશાળ અશોક ચક્ર રજૂ કરવામાં આવ્યું છે, જે આજના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન સાથેનો સશક્ત સંદેશ આપે છે. ગુજરાતી સાહિત્યના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે કલાકારોની પ્રસ્તુતિ ઝાંખીમાં રાષ્ટ્રીય જુસ્સો ઉમેરે છે.