દેશમાં પોતાના નવપ્રયોગ સંશોધન આધારિત ઉત્પાદનના અભાવે કાયમી અને સલામત આવકનો સ્રોત વિદેશી લાયસન્સ, ફ્રેન્ચાઈઝી કે મશીનો ઉપર રાખવો પડતો હોય અને ઉદ્યોગપતિઓને સંશોધનમાં રસ ન હોય ત્યારે નાગરિકો માટે નહી પરંતુ રાજકારણીઓ માટે પણ સંગ્રહખોરી આધારિત ભાવ વધારાથી નફો રળવાની વૃત્તિ ઘર કરી ગઈ છે. ભ્રષ્ટાચારથી આવેલા નાણાંને કોઈ સંશોધનમાં રોકતું નથી. ભ્રષ્ટાચારીને પણ તાત્કાલિક વળતર જોઈએ છે એટલે નાણાં કોઈ વ્યાજખોરને આપશે કે આંકડાની માયાજાળ રચતા વેપારીને આપશે. સંશોધન આધારીત સંપત્તિના સર્જનનો અભાવ બીજા અને ત્રીજા વિશ્વના દેશોને પાછળ અને વધુ પાછળ ધકેલતો જાય છે.
નવા વિચારો અને પ્રયોગો માટે દેશમાં કલ્પના, કામના અને ભાવનાના મિશ્રણ આધારીત મૌલિક કૃતિઓ રચનાર કવિઓ અને સાહિત્યકારો તથા હોનહાર વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને સરકારે પ્રોત્સાહન આપવા જોઈએ. ફ્રેન્ચ લેખક જૂલે વર્ને ૧૮૭૦માં લખેલ નવલકથા Twenty Thousand Leagues Under the Sea માં નવીનતમ ઇલેક્ટ્રિક સબમરીનની કલ્પના કરેલ. તેમાંથી વિચાર લઇ ૧૮૯૦માં જ્હોન ફિલિપે નવીન સબમરીનની ડિઝાઇન કરેલી જે અમેરિકન નેવીએ મંજૂર કરેલ. હજીયે મોડુ નથી થયું. પ્રથમ વિશ્વના દેશોના વિજ્ઞાન અને ટેકનોલોજી આધારીત સામાન અને સેવાઓ સ્વદેશી નાગરિકોને આર્થિક ગુલામ બનાવી દે તે પહેલાં બીજા અને ત્રીજા વિશ્વના દેશોએ સંશોધન પર ભાર મૂકી બૌધિક સંપદા એકત્ર કરવી જોઈએ.
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે