એક કેક શોપની બહાર એક ગરીબ છોકરો દૂરથી સુંદર રીતે સજાવેલી રંગબેરંગી કેકને જોઈ રહ્યો હતો. તેને કેક ખાવાનું બહુ મન હતું. તેના મોઢામાં પાણી આવી રહ્યું હતું પણ કેક લેવાના પૈસા ક્યાંથી લાવે? તે દૂર ઊભો ઊભો કેકને જોતો હતો. તેને દુકાનદાર પાસે કેક માંગી પણ ન હતી. છતાં દુકાનદારે આવનારા ઘરાકોને નહીં ગમે તેમ વિચારીને ગરીબ છોકરાને આંખો કાઢીને દૂર હડસેલ્યો.
ગરીબ છોકરો ડરીને થોડે દૂર જતો રહ્યો પણ થોડી વારમાં પાછો આવી અને દુકાન પાસે ઊભો રહી ગયો. એક ગાડી આવીને દુકાનની બહાર ઊભી રહી. અનેક અમીર સજ્જન તે ગાડીમાંથી ઊતર્યા. તેમની નજર પેલા છોકરા ઉપર પડી અને પછી તેઓ દુકાનમાં પ્રવેશ્યા. દુકાનદાર ફરી તે છોકરાને હડસેલવા અને ગુસ્સે કરીને દૂર મોકલવા જતો હતો ત્યાં જ અમીર સજજને તે ગરીબ છોકરાને ઈશારાથી બોલાવ્યો. તે છોકરો ડરતાં ડરતાં તેમની પાસે આવ્યો, અમીર સજ્જને કહ્યું, ‘‘દીકરા તને જે કેક ગમે તે પસંદ કરીને લઈ લે.’’ છોકરો રાજી રાજી થઈ ગયો. તેની આંખો ચમકી ઊઠી અને મોઢા પર એક મોટી મુસ્કાન આવી ગઈ. તેણે ગુલાબી રંગની સ્ટ્રોબેરી કેક પસંદ કરી, કેક નાનકડી હતી પણ છોકરાની ખુશી મસમોટી હતી.
અમીર સજજને પોતે જ લેવું હતું તે લીધું અને બાળકની કેક પણ બંધાવી. દુકાનદારને પૈસા આપ્યા અને તેઓ બહાર નીકળ્યા અને પછી છોકરાના હાથમાં સ્ટ્રોબેરી કેકનું બોક્સ આપતાં કહ્યું, ‘‘લે બેટા, પ્રેમથી ખાજે.’’ છોકરો ખુશ થઈ ગયો અને કેક લેવા પહેલાં પોતાના ખિસ્સામાં કંઈક ખંખોળવા લાગ્યો અને ખિસ્સામાંથી તેણે ઘસાયેલો એક રૂપિયો કાઢ્યો. તે રૂપિયો તેણે અમીર સજ્જનને આપતાં કહ્યું, ‘‘અંકલ, મારી પાસે જે છે એ ખાલી આ એક રૂપિયો જ છે. તમે આને સ્વીકારી લો તો જ હું કેકનું બોક્સ લઈશ, નહિતર હું નહીં લઉં.’’
અમીર સજ્જન નાનકડા બાળકની ખુદ્દારી ઉપર ઓવારી ગયા. તેમણે પ્રેમથી એક રૂપિયો લઇ લીધો અને છોકરાને કેકનું બોક્સ આપ્યું અને પોતાની ગાડીમાં બેસીને આગળ વધી ગયા. રસ્તામાં વિચારતા રહ્યા કે એક નાનકડા બાળકમાં કેવી ખુદારી કે તેની પાસે સૌથી અણમોલ જે કંઈ હતું તે તેણે મને આપી દીધું. વિના મૂલ્યે કેક સ્વીકારી તો નહીં જ. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે