Editorial

વધુને વધુ પહોળી થતી આર્થિક અસમાનતાની ખાઇ

દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વીત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક મળી છે અને તે બેઠક પહેલા ઓક્સફામ સંસ્થાનો વૈશ્વિક આર્થિક અસમાનતા અંગેનો અહેવાલ પ્રકાશિત થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયામાં વધતી આર્થિક અસમાનતા પર વિશ્વભરના ગરીબો, વંચિતોની ખેવના રાખતી આ સંસ્થા અહેવાલ પ્રગટ કરતી આવી છે તેના આ વખતના અહેવાલમાં પણ તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ વખતે નવી વાત એ છે કે દુનિયામાં પ્રથમ વખત અબજપતિઓની સંખ્યા ૩૦૦૦ને પાર ગઇ છે.

આ અબજપતિઓ એ છે કે જેમની મિલકતો એક અબજ ડોલર કરતા વધુ હોય. રૂપિયાની રીતે તો તે મિલકત ઘણી વધારે થાય. આ અબજપતિઓની સંખ્યા ભલે વધીને ત્રણ હજાર થઇ હોય પરંતુ દુનિયાની કુલ આઠ અબજની વસ્તીમાં તો આ સંખ્યા નગણ્ય જ કહેવાય. ઓક્સફામના અહેવાલ અનુસાર, વર્ષ 2025 માં વિશ્વભરમાં અબજોપતિઓની સંખ્યા વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે અને તેમની સામૂહિક સંપત્તિ વધીને 18.3 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.

આ ચેરિટી સંસ્થાએ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, જ્યારે અમેરિકન અબજોપતિઓની સંપત્તિમાં સૌથી વધુ તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે, ત્યારે બાકીના વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં પણ બે આંકડામાં વધારો થયો છે. અમેરિકામાં અબજોપતિઓની સંપત્તિ ઝડપથી વધવા માટે ટ્રમ્પની ધનવાન તરફી નીતિઓને ઓક્સફામે જવાબદાર ગણાવી હતી. વાત સ્પષ્ટપણે સાચી જણાય છે. હાલના અમેરિકી પ્રમુખ ટ્રમ્પ હાડોહાડ મૂડીવાદી છે અને ધનવાનોને લાભ થાય તેવી નીતિઓ અપનાવી રહ્યા છે. અનેક કલ્યાણ યોજનાઓ તેમણે રદ કરી છે તે નોંધનીય છે.

અબજોપતિઓની સામૂહિક સંપત્તિમાં વૃદ્ધિ પરના એકેડેમિક રિસર્ચ અને વિશ્વની અસામાનતાના ડેટાબેઝથી લઈને ફોર્બ્સની શ્રીમંતોની યાદી સુધીના ડેટા સ્ત્રોતો પર આધારિત ઓક્સફામના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 2025 માં વૈશ્વિક અબજોપતિઓની સંપત્તિ 16% વધીને 18.3 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે 2020 થી અત્યાર સુધીમાં આ આંકડો 81% અથવા 8.2 ટ્રિલિયન ડોલર વધ્યો છે. અહેવાલમાં ઉમેર્યું છે કે, વિશ્વના સૌથી ધનિક 12 અબજોપતિઓ પાસે દુનિયાની ગરીબ અડધી વસ્તી એટલે કે ચાર અબજથી વધુ લોકોની કુલ સંપત્તિ કરતા પણ વધુ સંપત્તિ છે! આર્થિક અસમાનતાની ખાઇ કેટલી હદે પહોળી થઇ છે તે આના પરથી સમજાય છે. ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કની આગેવાની હેઠળના આ ૧૨ અબજપતિઓમાં ગૂગલના લેરી પેજ, એમેઝોના જેફ બેઝોસ, ફેસબુકના માર્ક ઝૂકરબર્ગ વગેરેનો સમાવેશ થાય છે.

અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે અબજોપતિઓની સંપત્તિનું સ્તર હવે ઇતિહાસમાં કોઈપણ સમય કરતાં વધુ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીઓના વધતા જતા વેલ્યુએશનને કારણે રોકાણકારો વધુ શ્રીમંત બન્યા છે. ઓક્સફામે જણાવ્યું હતું કે, નવેમ્બર 2024 થી છેલ્લા એક વર્ષમાં વૃદ્ધિની ગતિ 16.2% હતી, જે 2020 થી અત્યાર સુધીના વૃદ્ધિના સરેરાશ દર કરતા ત્રણ ગણી વધારે છે. ઈલોન મસ્કની સંપત્તિ ઓક્સફામના અહેવાલમાં ઈલોન મસ્કની સંપત્તિમાં થયેલા વધારા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2025 માં, ટેસ્લાના CEO ઈલોન મસ્ક $500 અબજ (અડધો ટ્રિલિયન ડોલર)થી વધુ સંપત્તિ ધરાવનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

ફોર્બ્સના અહેવાલ મુજબ, ઓક્ટોબરમાં 500 અબજ ડોલરની નેટવર્થ પર પહોંચ્યા પછી, મસ્ક ડિસેમ્બરમાં 600 અબજ ડોલરની સંપત્તિ ધરાવનાર પણ પ્રથમ વ્યક્તિ બન્યા હતા. આ સિદ્ધિ ત્યારે મળી જ્યારે એવા અહેવાલો આવ્યા કે તેમની સ્ટાર્ટઅપ કંપની સ્પેસએક્સ 800 અબજ ડોલરના વેલ્યુએશન પર શેર બહાર પાડે તેવી શક્યતા છે. મસ્ક સ્પેસએક્સમાં આશરે 42% હિસ્સો ધરાવે છે. આવી મહાકાય કંપનીઓના પ્રમોટરો તેમની કંપનીના શેરો ઉછળતા વધુને વધુ ધનવાન થતા જાય છે.

ઓક્સફામે જણાવ્યું હતું કે, આ નાણું વધુને વધુ પ્રમાણમાં રાજકીય સત્તાઓ ખરીદી રહ્યું છે. સંસ્થાએ ખાસ કરીને ઉદ્યોગપતિઓ દ્વારા અખબારો અને અન્ય માધ્યમો ખરીદવા તરફ ઈશારો કર્યો હતો, જેમ કે ઇલોન મસ્ક દ્વારા X (ટ્વિટર) પર કબજો મેળવવો અથવા એમેઝોનના જેફ બેઝોસ દ્વારા ધ વોશિંગ્ટન પોસ્ટની ખરીદીનો સમાવેશ થાય છે. ઓક્સફેમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અમિતાભ બેહરે જણાવ્યું હતું કે, ધનવાન લોકો અને બાકીના સામાન્ય લોકો વચ્ચે વધી રહેલી ખાઈ તે જ સમયે એક એવું રાજકીય અંતર ઊભું કરી રહી છે જે અત્યંત જોખમી છે. આ અતિધનિકો પોતાનું ધાર્યું વિશ્વભરમાં કરાવી શકે છે એવો ખયાલ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં પ્રવર્તતો થયો છે. આર્થિક અસમાનતાની વધતી ખાઇ દુનિયાભરમાં એક અજંપો જન્માવી રહી છે અને તે ક્યારેક વિસ્ફોટક સ્વરૂપ પણ લઇ શકે છે. સહુના હિત અને કલ્યાણ માટે આર્થિક અસમાનતાની ખાઇ સાંકડી કરવા ગંભીરતાપૂર્વકના પ્રયત્નો સૌ હિતધારકો તરફથી થાય તે હવે આવશ્યક બની ગયું છે.

Most Popular

To Top