( પ્રતિનિધિ )વડોદરા,તા.22
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા 53 માં બાળમેળાનું આયોજન વડોદરા શહેરના સયાજી બાગ ખાતે તારીખ 24,25,અને 26 જાન્યુઆરી ના રોજ કરવામાં આવ્યું છે. દર વર્ષે લાખો રૂપિયા બાળ મેળા પાછળ ખર્ચ કરવામાં આવે છે. જોકે આ વચ્ચે સમિતિની કેટલીક શાળામાં સંખ્યાના અભાવે શિક્ષકોની ઘટથી બાળકોના ભણતર પર અસર વર્તાઈ છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 23 જાન્યુઆરીના રોજ સાંજે આ બાળમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બાળમેળાનું સમગ્ર આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવતું હોય છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શોર્ય પ્રદર્શન મબલક રોપ, મબલક નિર્દેશન, યોગ પિરામિડ સ્તૂપ નિદર્શન, લેડીઝ ડમબેલ્સ નિદર્શન,તલવાર અને ભાલા ના વિવિધ કરતબો વિવિધ શાળા ઓનાં વિધાર્થીઓ રજૂ કરશે.સમિતિ ની 121 પ્રાથમિક શાળા ઓ,10 માધ્યમિક શાળા ઓ,તથા 100 બાલવાડી ઓ ના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગમાં નવીનતમ વિષયો આધારિત કાર્યક્રમો રજૂ કરશે. સાથે ફનફેર, ફૂડ સ્ટોલ સહિત ના વિભાગો પણ ઊભા કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પણ ઉપસ્થિત રહેશે. દર વર્ષે આયોજિત આ બાળમેળામાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે, બીજી તરફ સમિતિની કેટલીક શાળાઓમાં આજે પણ કેટલીક ખામીઓ યથાવત છે. શિક્ષકોની ઘટ, શાળા પરિસરમાં ઝાડી ઝાંખરા સહિતની સમસ્યાઓ છે. હાલમાંજ ખટંબાના સરપંચે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય અંધકારમાં પ્રયાણ કરી રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને શિક્ષક ફાળવવા માંગ કરી હતી. ત્યારે, લાખો રૂપિયા ખર્ચી બાળ મેળો યોજી રાજકીય જશ ખાળતા સત્તાધીશોએ પહેલા સમિતિની શાળાઓમાં રહેલી ખામીઓ દૂર કરવા સહિત શાળાઓમાં શિક્ષકોની નિમણુંક કરવા પ્રયાસ કરવા જોઈએ જેથી બાળકોમાં શિક્ષણનું સ્તર ઊંચું પહોંચી શકે.