સ્થાનિક રજૂઆતોમાં નાગરિકલક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લાઓના વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચના
ગાંધીનગર – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને જાહેર રસ્તાઓ પરના ગેરકાયદેસર બાંધકામ અને દબાણ, ડ્રેનેજ તથા કાંસ પર થયેલા દબાણ તેમજ ગામોને જોડતા રસ્તાઓ પરના દબાણ જેવી ફરિયાદો અંગે નાગરિકલક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જિલ્લા વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે જિલ્લા સ્વાગતની 1492 અને તાલુકા સ્વાગતની 2565 રજૂઆતો સંદર્ભે પણ જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ રાજ્ય સ્વાગતમાં ડભોઇ અને બોટાદ જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ સુરત જિલ્લામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનોના બાંધકામ અંગે લાંબાગાળાથી પડતર પ્રશ્ન પર મુખ્યમંત્રીએ સંવેદનશીલ અને ત્વરિત પ્રતિસાદ આપ્યો હતો.
ડભોઇ નગરપાલિકાના ગટરના પાણીના કારણે 33 ખેડૂતોની અંદાજે 150 વીઘા ખેતીલાયક જમીનના પાકોને નુકસાન ન થાય તેમજ જમીન બગડે નહીં તે માટે તાત્કાલિક સાઇફન બનાવવા, નગરપાલિકાનું એસ.ટી.પી. સુચારૂ રીતે કાર્યરત રાખવા અને લાંબાગાળાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ અજય કુમાર, ખાસ ફરજ પરના અધિકારી ડી. કે. પારેખ, રાકેશ વ્યાસ તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.