Vadodara

અયોધ્યા રામ મંદિરની દ્વિતીય વર્ષગાંઠે વડોદરાને મળી ભેટ

ગોરવા વિસ્તારનો મુખ્ય માર્ગ હવે ‘જય શ્રી રામ માર્ગ’ તરીકે ઓળખાશે

(પ્રતિનિધિ), વડોદરા. તા.22

અયોધ્યામાં નિર્મિત ભવ્ય શ્રી રામ મંદિરની બીજી વર્ષગાંઠની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 9 માં આ દિવસને યાદગાર બનાવવા માટે એક મહત્વપૂર્ણ નામકરણ કાર્યક્રમ યોજાયો હતો. વોર્ડના લોટસ પ્લાઝાથી સપનાના વાવેતર થઈને ગોરવા આઈટીઆઈ પાંચ રસ્તાને જોડતા મુખ્ય માર્ગનું વિધિવત રીતે “જય શ્રી રામ માર્ગ” નામકરણ કરવામાં આવ્યું છે. આ રોડના નામકરણ પાછળ સ્થાનિક કોર્પોરેટર શ્રીરંગ આયરેના પ્રયાસો મુખ્ય રહ્યા છે. લાંબા સમયથી આ માર્ગને ભગવાન શ્રી રામનું નામ આપવા માટે તેઓ સતત પાલિકામાં રજૂઆતો કરી રહ્યા હતા. સ્થાનિક રહીશોની લાગણી અને રામ મંદિર પ્રત્યેની આસ્થાને ધ્યાને રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આજરોજ આયોજિત કાર્યક્રમમાં કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, મેયર પિન્કી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં તકતીનું અનાવરણ કરી માર્ગને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે, “રામ મંદિરની બીજી વર્ષગાંઠના અવસરે આ માર્ગનું નામકરણ થવું એ અમારા વોર્ડના રહીશો માટે ગૌરવની વાત છે. આ માર્ગ હવે ભક્તિ અને વિકાસનું પ્રતીક બનશે.” આ માર્ગ ગોરવા વિસ્તારનો અત્યંત મહત્વનો અને વ્યસ્ત રસ્તો છે. લોટસ પ્લાઝાથી આઈટીઆઈ પાંચ રસ્તા સુધીના આ પટ્ટાને નવું નામ મળતા સ્થાનિક રહીશો અને ભક્તોમાં ભારે આનંદ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ‘જય શ્રી રામ’ ના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

Most Popular

To Top