લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ અને ઉભરાતી ગટરો વચ્ચે જનતા લાચાર; નબળી કામગીરી બદલ કોન્ટ્રેક્ટરો સામે પગલાં ક્યારે?




વડોદરા મહાનગરપાલિકાના વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર 10 અને 11 ના વિસ્તારોમાં હાલ સ્થાનીક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં નવા બનેલા રસ્તાઓનું ખોદકામ, વારંવાર પાણીની પાઈપલાઈનમાં પડતા ભંગાણ અને ઉભરાતી ગટરોએ પાલિકાના તંત્ર અને કોન્ટ્રેક્ટરોની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.

વોર્ડ નંબર 10 માં આવેલા તાંદલજા અને આસપાસના વિસ્તારોમાં માત્ર દોઢ થી બે મહિના પહેલા જ લાખોના ખર્ચે નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. જોકે, આ રસ્તાઓનું કામ પૂર્ણ થાય તે પહેલા જ પાણીની લાઈનમાં ભંગાણ પડતા નવા નક્કોર રસ્તાઓ પર ખોદકામ કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ખોદકામ કર્યાને પાંચ-છ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી ત્યાં ‘પેચવર્ક’ કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
વોર્ડ નંબર 11 માં મહાબલીપુરમ ગેટ નંબર 2 ની સામે અને મરિયમ કોમ્પ્લેક્સ પાસે પાણીની લાઈનોમાં વારંવાર ભંગાણ સર્જાઈ રહ્યું છે. તાજેતરમાં રિપેરિંગ કર્યાના એક-બે દિવસમાં જ ફરીથી તે જ સ્થળે લિકેજ જોવા મળ્યું છે, જે કોન્ટ્રેક્ટરોની નબળી ગુણવત્તાનું પ્રતીક છે. એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનથી જે.પી. રોડ પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર ત્રણ થી ચાર જગ્યાએ પાણીની લાઈન તૂટવાથી લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીનું ઓછું પ્રેશર છે, ત્યારે બીજી તરફ પાલિકાની બેદરકારીને કારણે ફૂલ પ્રેશરમાં પાણી રસ્તા પર વહી રહ્યું છે.
તાંદલજાના ચોતરા વિસ્તાર અને આમિર કોમ્પ્લેક્સ પાસે વર્ષો જૂની ગટર ઉભરાવવાની સમસ્યા હજુ પણ યથાવત છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં નવી ગટર લાઈન નાખવી અત્યંત જરૂરી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર હંગામી ઉકેલ લાવવામાં આવે છે. ગંદા પાણી રસ્તા પર ફરી વળતા રોડ રસ્તાઓ ખરાબ થઈ રહ્યા છે અને રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે.
સુપરવાઈઝરના નિરીક્ષણ વગર જ કામગીરી ચાલતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર આ મામલે તપાસ કરાવી બેદરકાર કોન્ટ્રેક્ટરો વિરુદ્ધ કેવા દંડાત્મક પગલાં ભરે છે.