પોલીસને જોઈ ભાગવા જતા શિફ્ટ ડિઝાયર પલટી, રૂ. 8.26 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રતિનિધિ) સુખસર | તા. 22
દાહોદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે સુખસર તાલુકાના વાંકાનેર ગામ પાસેથી દારૂની હેરાફેરી કરતી કાર ઝડપીને રૂ. 8.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, કારચાલક પોલીસને જોઈ ભાગવા જતા વાહન પલટી ખાઈ ગયું હતું અને અંધારાનો લાભ લઈ ચાલક ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ એલ.સી.બી પોલીસ મંગળવાર રાત્રે સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નંબર વગરની ગ્રે કલરની શિફ્ટ ડિઝાયર કારમાં ઇંગ્લિશ દારૂ ભરી સુખસર વિસ્તારમાંથી પસાર થનાર છે.
આ બાતમીના આધારે એલસીબી પોલીસે સુખસરના મારગાળા ત્રણ રસ્તા ક્રોસિંગથી વાંકાનેર તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. સવારના અંદાજે સાડા ચાર વાગ્યાના અરસામાં શંકાસ્પદ કાર આવતી દેખાતા પોલીસે ટોર્ચના અજવાળે વાહન અટકાવવાનો ઈશારો કર્યો હતો. તે સમયે કારચાલકે પોલીસને જોઈ ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર રસ્તાની બાજુ ઉતરી જતા પલટી ખાઈ ગઈ.
કારનો ચાલક અંધારાનો તેમજ નજીકના મકાઈના ઉભા પાકનો લાભ લઈ વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી. તપાસમાં છૂટી બોટલ નંગ 100 તથા 35 પેટી બિયર સહિત કુલ 1,420 બોટલો મળી આવી, જેની કિંમત રૂ. 3,26,158 આંકવામાં આવી છે. જ્યારે શિફ્ટ ડિઝાયર કારની કિંમત અંદાજે રૂ. 5 લાખ હોવાથી કુલ મળીને રૂ. 8,26,158નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે એલસીબી પોલીસ કર્મચારી કાળુભાઈ દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે તેમજ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.