માંડવી: તડકેશ્વરના હરિયાલ હેડવર્કસ ખાતે નિર્માણાધીન ૧૧ લાખ લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી તૂટી પડવાની ગંભીર ઘટના બની હતી. ટેસ્ટિંગ દરમિયાન અંદાજે ૯ લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું, તે સમયે ટાંકી અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
આ ઘટનામાં મજૂરીકામે હાજર રહેલા ત્રણ મજૂર અંગુરી રાજુભાઈ આડ, અંજલિબેન રાજુભાઈ આડ અને કલિતા અનિલ વચલિયાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ દુર્ઘટનાને કારણે સરકારનાં નાણાંને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ડીવાયએસપી બી.કે.વનારને સોંપવામાં આવી હતી. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની મળી કુલ સાત અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રિસોર્સિસના ઉપયોગથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ૮ આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા, જે.વી. કોન્ટ્રાક્ટર તથા પી.એમ.સી. એજન્સી માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયરિંગ પ્રા.લિ., અમદાવાદના કોન્ટ્રાક્ટર, સાઇટ એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરનો સમાવેશ થાય છે.
ધરપકડ કરાયેલા આરોપીઓના બાબુભાઈ અંબાલાલ પટેલ (ઉં.વ.૬૧)–કન્સ્ટ્રક્શન, મહેસાણા, જસ્મિનભાઈ બાબુભાઈ પટેલ (ઉં.વ.૩૨)–કન્સ્ટ્રક્શન, મહેસાણા (હાલ તડકેશ્વર, માંડવી), ધવલભાઈ રતિલાલ પટેલ (ઉં.વ.૩૫)–કન્સ્ટ્રક્શન, મહેસાણા (હાલ તડકેશ્વર, માંડવી), જયંતીભાઈ અંબાલાલ પટેલ–કન્સ્ટ્રક્શન, મહેસાણા, બાબુભાઈ મણિલાલ પટેલ (ઉં.વ.૬૩)–નોકરી, પી.એમ.સી. માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયરિંગ પ્રા.લિ., અમદાવાદ (મૂળ પાટણ), જિગરભાઈ રવજીભાઈ પ્રજાપતિ (ઉં.વ.૩૪)–સાઇટ સુપરવાઇઝર, પી.એમ.સી., કામરેજ (મૂળ કચ્છ), અંકિતભાઈ પરસોત્તમભાઈ ગરાસિયા (ઉં.વ.૪૨)–કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા વિભાગ, સુરત, જય સોમાભાઈ ચૌધરી–નાયબ કાર્યપાલક ઇજનેર (રહે.,ઇસરોલી, બારડોલી, જિ.સુરત) તમામ આરોપીઓને જેલભેગા કરાતાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.