જાહેર માર્ગ પર કાર ઉભી રાખી દારૂની મહેફિલ, પાછળ ટ્રાફિકજામ
દારૂ મુક્ત વડોદરા પર પ્રશ્નાર્થ, વીડિયો વાયરલ થતા ચકચાર
વડોદરા — શહેરમાં દારૂ મુક્તિની વાતો વચ્ચે ફરી એકવાર કાયદાના ધજાગરા ઉડાવતો બનાવ સામે આવ્યો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ડેરી ડેન સર્કલ પાસે જાહેર માર્ગ પર કારમાં સવાર કેટલાક ઈસમોએ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એક કારમાં સવાર ત્રણ ઈસમોએ મુખ્ય માર્ગ પર કાર અટકાવી દીધી હતી. કાર ચાલક મોબાઈલમાં વ્યસ્ત દેખાઈ રહ્યો હતો, જ્યારે બાજુમાં બેઠેલો ઈસમ હાથમાં દારૂની બોટલ બતાવી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી આવતા સિટી બસ સહિત અન્ય વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો.
નાગરિકે ઉતારેલો વીડિયો વાયરલ
જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાનો વીડિયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં કારમાં ત્રણ ઈસમો સ્પષ્ટ રીતે નજરે પડે છે. દિવસના સમયે જાહેર રસ્તા પર આ રીતે દારૂ પીવું અને ટ્રાફિક અટકાવવું એ ગંભીર બેદરકારી અને કાયદા ભંગ સમાન છે.
પોલીસ દ્વારા દર બે–ત્રણ દિવસે દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો હોવા છતાં, શહેરના હૃદય સમાન વિસ્તારમાં આવી ઘટના બનવી અનેક સવાલો ઊભા કરે છે.
શું દારૂ મુક્ત વડોદરા માત્ર કાગળ પર જ છે?
શું પોલીસની નજરથી આવા બનાવો બચી જાય છે?
હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયોને આધારે પોલીસ દ્વારા સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.