( પ્રતિનિધિ )વડોદરા,તા.21
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એસવાય બી.કોમની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાના પરિણામ જાહેર નહીં થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધાવી ફેકલ્ટી ડીનને રજૂઆત કરવામાં આવી હતી.


વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ હોનર્સમાં એક્સટર્નલ પરીક્ષા પૂર્ણ થયે ઘણો સમય વીતી ગયો છે. પરંતુ હજી સુધી એસવાય બીકોમના ત્રીજા સત્રના વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. સત્ર ત્રણની એક્સટર્નલ પરીક્ષા 29 નવેમ્બરે પૂર્ણ થઈ હતી. જેને 52 જેટલા દિવસ વીતી ગયા છે. જ્યારે યુનિવર્સિટીના નિયમ અનુસાર કોઈ પણ પરીક્ષા પૂર્ણ થયાના 45 દિવસની અંદર પરિણામ જાહેર કરી દેવાનું હોય છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન આયુષ માછલીયાની આગેવાની હેઠળ વિદ્યાર્થી સંગઠન એબીવીપીના વિદ્યાર્થીઓએ સૂત્રોચાર સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપી વહેલી તકે પરિણામો જાહેર કરવાની માંગણી કરી હતી.