સાવલીના ભાદરવા પોલીસ મથકના કેસમાં જિલ્લા એલસીબીની મોટી સફળતા
સાવલી: સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા મુકુટનગર ગામ નજીક ગટરમાંથી બળી ગયેલી મહિલાની લાશ મળવાના 25 વર્ષ જૂના હત્યાના કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મોટી સફળતા હાંસલ કરી છે. આ ગંભીર ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસતો ફરતો આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપીને ભાદરવા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
જિલ્લા એલસીબી પાસેથી મળતી માહિતી મુજબ તા. 16/04/2000ના રોજ મંજુસર ગામની સીમમાં સાવલી–વડોદરા રોડ પર ગટરમાંથી કોથળામાં બંધ હાલતમાં અજાણી મહિલાનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ મંજુસર વિસ્તારમાં રહેતી મહિલાની હોવાનું બહાર આવ્યું હતું.
આ કેસમાં મૃતકના પતિ ભરથરી ઉર્ફે નિરાલા પ્રસાદ વિશ્વનાથ કણકર સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આરોપીએ પત્ની પર જ્વલનશીલ કેમિકલ છાંટી તેને સળગાવી મોતને ઘાટ ઉતારી લાશને કોથળામાં ભરી ગટરમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો.
ઓપરેશન પરાક્રમ હેઠળ મળેલી બાતમી
ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લા એલસીબીની ટીમને હ્યુમન સોર્સ મારફતે બાતમી મળી હતી કે આરોપી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના સપાયા ગામમાં રહેતો હોવાનું જાણવા મળ્યું. આરોપી વેશ બદલી રોડ પર ફ્રુટ ચીકી અને પાન-પડીકીની લારીઓ પર કામ કરતો હતો.
ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ
ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે ઉત્તર પ્રદેશ જઈ સતત નજર રાખી અને યોગ્ય સમયે આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને ગુજરાત લાવી ભાદરવા પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.
જિલ્લા એલસીબીની પ્રશંસનીય કામગીરી
25 વર્ષ બાદ હત્યાના આરોપીને પકડી પાડવામાં જિલ્લા એલસીબીની ટીમે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
રિપોર્ટર: વિમલ પટેલ