ગાંધીનગર: સુરત જિલ્લાના માંડવી તાલુકાના તાડકેશ્વર ગામે નિર્માણ પામેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થઈ જતાં નબળા બાંધકામ તથા ભ્રષ્ટાચારના મામલે બારે હોબાળો મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના હેઠળ રાજ્ય સરકારે હવે આકરા પગલા લીધા છે. ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં સીધી બેદરકારી જણાતા રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી બે ઉચ્ચ અધિકારીને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
જેમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના બે એક્ઝિ. ઈજનેર રજનીકાંત ચૌધરી તથા અંકિત ગરાસીયા અને ના.કા. ઈજનેર જય ચૌધરીને તાત્કાલીક અસરથી સ્સપેન્ડ કરી દેવાયા છે. જયારે સરકાર તરફથી સમગ્ર ઘટના સંદર્ભે જવાબદોરો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. મુખ્યમંત્રીની સીધી સૂચના હેઠલ તાત્કાલિક અસરથી કોન્ટ્રાકટરોનું પેમેન્ટ પણ અટકાવી દેવા સૂચના અપાઈ છે. આ સમગ્ર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને ઈજારદારને નોટિસ આપવામાં આવી છે અને એજન્સીના તમામ ચૂકવણાં અટકાવવામાં આવ્યા છે. સરકારના આ કડક વલણથી ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત આવતા તેમણે આ નિર્ણય લીધો હતો.
વિકાસના નામે દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભ્રષ્ટાચારની ઘટના બની છે. સુરત જિલ્લાના અરેઠ તડકેશ્વર ગામે બનેલી નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો હવે રાજ્યભરમાં વિવાદનો મુદ્દો બન્યો છે. રૂ. 21 કરોડની માતબર રકમથી બનેલ સરકારી ગાયપગલા પાણી પુરવઠો યોજના હેઠળ 33 ગામોને પીવાનું પાણી આપવા માટે બનાવવામાં આવેલી 11 લાખ લિટર ક્ષમતાવાળી ટાંકી ટેસ્ટિંગના નામે માત્ર 9 લાખ લિટર પાણી ભરતાં જ તૂટી પડી જમીનદોસ્ત થઈ ગઈ હતી.