‘ચોરની જેમ રાત્રે જ કેમ?’: જેસીબી વડે મૂર્તિઓ ઉઠાવતા સ્થાનિકો અને હિન્દુ સંગઠનોમાં રોષ, આસ્થા સાથે ચેડાંના આક્ષેપ
વડોદરા: મકરપુરા વિસ્તારમાં કુત્રિમ તળાવમાં ગત મધરાતે વહીવટી તંત્ર દ્વારા મૂર્તિઓ હટાવવાની હાથ ધરાયેલી ‘ગુપ્ત’ કામગીરીએ વિવાદનું વંટોળ સર્જ્યું છે. રાત્રિના અંધકારમાં જેસીબી મશીનો લગાવીને મૂર્તિઓ બહાર કાઢવાની પદ્ધતિ સામે સ્થાનિક રહીશો અને હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. લોકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, જો આ કામગીરી સત્તાવાર અને યોગ્ય હતી, તો તેને દિવસે કરવાને બદલે મધરાતે કેમ કરવામાં આવી?

મળતી વિગતો અનુસાર, મકરપુરાના આ કુત્રિમ તળાવમાં ગણેશ ઉત્સવ સહિતના તહેવારો દરમિયાન વિસર્જિત કરવામાં આવેલી મૂર્તિઓ લાંબા સમયથી જળમગ્ન હતી. ગઈકાલે મોડી રાત્રે અચાનક તંત્ર દ્વારા જેસીબી અને ડમ્પરો સાથે આ વિસ્તારમાં ધાડા ઉતારવામાં આવ્યા હતા. કોઈપણ પૂર્વ જાણ કે ધાર્મિક વિધિ વગર મધરાતે મૂર્તિઓને પાણીમાંથી બહાર કાઢી અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

મધરાતે જેસીબીના અવાજ અને શંકાસ્પદ હિલચાલને કારણે આસપાસના રહીશો જાગી ગયા હતા. તળાવ પર પહોંચેલા લોકોએ જોયું કે મૂર્તિઓને અયોગ્ય રીતે બહાર કાઢવામાં આવી રહી છે, જેને પગલે લોકોનો મિજાજ છટક્યો હતો. જોતજોતામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તંત્રની આ કાર્યપદ્ધતિને ‘હિન્દુઓની આસ્થા સાથેના ચેડાં’ ગણાવી કામગીરી અટકાવી દીધી હતી.

ઘટનાને પગલે મકરપુરા વિસ્તારમાં મોડી રાત સુધી તંગદિલીભર્યો માહોલ જોવા મળ્યો હતો. લોકોના રોષને જોતા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. હાલમાં આ મુદ્દે તંત્રની આકરી ટીકા થઈ રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે.
– તંત્ર સામે ઉઠતા વેધક સવાલો…
સ્થાનિક લોકો અને સંગઠનો દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે:
*સન્માનનો અભાવ: કોઈપણ ધાર્મિક મૂર્તિઓનું સ્થળાંતર શાસ્ત્રોક્ત વિધિ અને સન્માનજનક રીતે થવું જોઈએ, તેને બદલે જેસીબીથી મૂર્તિઓ ઉઠાવવી તે અપમાનજનક છે.
*પારદર્શિતાનો અભાવ: જો આ સફાઈ અભિયાન કે સત્તાવાર કામગીરી હતી, તો તેને ભરબપોરે જનતાની હાજરીમાં કરવાને બદલે ‘ચોર’ની જેમ રાત્રે કેમ કરવામાં આવી?
*જવાબદારી કોની?: આ કામગીરીના આદેશ કોણે આપ્યા અને રાત્રિનો સમય જ કેમ પસંદ કરાયો તે અંગે રહસ્ય ઘેરાયું છે.