મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત છતાં દેશના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના મેયર અંગે દ્વિધા પેદા થઈ છે. ચૂંટણીમાં મહાયુતિના નિર્ણાયક વિજયના એક દિવસ પછી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે મેયરના મહત્ત્વપૂર્ણ પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. એકનાથ શિંદેએ પાર્ટીના ૨૯ નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને નાટ્યાત્મક રીતે શહેરની એક ફાઇવ સ્ટાર હોટલમાં બંધ કરી દીધા છે. મીડિયા અહેવાલો અનુસાર પક્ષના નેતાઓએ આને હરીફ પક્ષો દ્વારા સંભવિત તોડફોડના પ્રયાસો સામે રક્ષણ માટેનાં પગલાં તરીકે વર્ણવ્યું છે પણ હકીકતમાં મામલો કાંઇક અલગ છે. મેયરપદ માટે ભાજપ અને એકનાથ શિંદે વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
ચૂંટણીમાં ભાજપ ૮૯ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો, પરંતુ તે પોતાના દમ પર બહુમતીથી દૂર રહ્યો છે. તેના સાથી પક્ષ શિવસેના (શિંદે) એ ૨૯ બેઠકો મેળવી છે. ૨૨૭ બેઠકો ધરાવતી બીએમસીમાં ભાજપ-શિવસેના (શિંદે) ગઠબંધને કુલ ૧૧૮ બેઠકો જીતી છે. સ્પષ્ટ બહુમતી હોવા છતાં મેયરપદ પર સર્વસંમતિ પ્રાપ્ત થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.શનિવારે જ્યારે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી કેબિનેટ બેઠકમાં હાજરી આપી ન હતી ત્યારે ભાજપ અને શિવસેના (શિંદે) વચ્ચે તણાવના સંકેતો જોવા મળ્યા હતા. આ પહેલાં પણ એકનાથ શિંદે ઘણી વખત કેબિનેટ બેઠકોથી અંતર રાખીને ફડણવીસ સરકારના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ) ના નેતા સંજય રાઉતે હોટલને જેલમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેએ હોટલને જેલમાં ફેરવી દીધી છે. ચૂંટણી જીત્યા પછી જે કાઉન્સિલરોને તાજ હોટલમાં રાખવામાં આવ્યા છે તેમને મુક્ત કરવા જોઈએ. તેમને ડરથી ત્યાં રાખવામાં આવ્યા છે. ઘણાં લોકો અમારા સંપર્કમાં છે. મુંબઈમાં ભાજપનો મેયર કોણ ઇચ્છે છે? એકનાથ શિંદે પણ આ ઇચ્છતા નથી. કેટલાક વિશ્લેષકો માને છે કે આ ઘટનાક્રમ શિવસેનાના રાજકીય દાવ અને મેયરપદ પર તેના અસંતુષ્ટ વલણનો સંકેત છે. નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને હોટલમાં લઈ જવાનું આ એક કારણ હોઈ શકે છે.
જો કે, શિવસેનાના નવા ચૂંટાયેલા કાઉન્સિલર અમોલ ઘોલેએ જણાવ્યું હતું કે ત્યાં કોઈને બળજબરીથી રાખવામાં આવ્યા નથી. અમને ભવિષ્યની રણનીતિની ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા છે. શિવસેનાના વડા શિંદે સાહેબ બધા કાઉન્સિલરોને માર્ગદર્શન આપશે. તેમાંના ઘણા પહેલી વાર કાઉન્સિલર બન્યા છે અને તેમના માટે બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ૨૯ કાઉન્સિલરો હાજર છે. તેમણે કહ્યું કે મેયરપદનો નિર્ણય ભાજપ સાથે પરામર્શ કરીને લેવામાં આવશે અને તેમની પાર્ટીએ મેયર પદ માટે કોઈ માંગણી કરી નથી.
મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર વિજય ચોરમારેએ જણાવ્યું હતું કે મુંબઈમાં શિંદેની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેથી એકનાથ શિંદે સોદાબાજી દ્વારા સત્તામાં થોડો સન્માનજનક હિસ્સો ઇચ્છે છે. જો કે, મેયરની ચૂંટણી પ્રક્રિયામાં સમય લાગશે, તેથી ઘણા ઉતાર-ચઢાવ આવવાની શક્યતા છે. મેયરપદ સામાન્ય શ્રેણી, અનુસૂચિત જાતિ, ઓબીસી અને મહિલાઓ માટે રોટેશનલ ધોરણે અનામત રાખવામાં આવ્યું છે.
રાજ્યનો શહેરી વિકાસ વિભાગ શ્રેણીઓ નક્કી કરવા માટે લોટરી પ્રક્રિયા હાથ ધરે છે. ઔપચારિક પ્રક્રિયા આવતા અઠવાડિયે શરૂ થવાની ધારણા છે. ચૂંટણી પહેલાં મેયરપદ માટે અનામતની જાહેરાત થવી જોઈતી હતી, પરંતુ તે કરવામાં આવી ન હતી. તેથી જ હજુ સુધી એ નક્કી થયું નથી કે કઈ જ્ઞાતિ કે વર્ગ કઈ નગરપાલિકાના મેયર બનશે. પુરુષ, સ્ત્રી, ઓબીસી અને અનુસૂચિત જાતિના આધારે રોટેશન હજુ નક્કી થયું નથી.
બીએમસી મેયર અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમે કહ્યું કે મુંબઈના મેયર મહાયુતિમાંથી હશે. મેયર હિન્દુ અને મરાઠી હશે. એક એવી વ્યક્તિ જે પીએમ નરેન્દ્ર મોદીના વિઝનમાં વિશ્વાસ રાખે છે અને સીએમ દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ કામ કરશે. એવા પણ અહેવાલો છે કે શિવસેના શિંદે જૂથે મેયર માટે ૨.૫ વર્ષનો કાર્યકાળ માંગ્યો છે. આવી કોઈ ચર્ચા થઈ નથી.
દેવેન્દ્રજી અને એકનાથજી વચ્ચે સારા સંબંધો છે. તેઓ સાથે બેસીને ચર્ચા કરશે અને મેયર મહાયુતિમાંથી હશે. મુંબઈમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. તેમાં કોઈ શંકા નથી કે મેયર ભાજપનો જ હશે કારણ કે તેમની પાસે વધુ બેઠકો છે. પરંતુ એકનાથ શિંદેની પાર્ટીના સમર્થન વિના મેયરની પસંદગી થઈ શકતી નથી. આવી સ્થિતિમાં એકનાથ શિંદે સોદાબાજી કરી રહ્યા છે કે મેયર ૨.૫ વર્ષ માટે શિવસેનાનો હોવો જોઈએ. ભાજપ સહમત નહીં થાય તો શિંદે સ્થાયી સમિતિના અધ્યક્ષપદની માંગણી કરશે.
શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ BMC ચૂંટણીમાં મળેલી હાર પર પ્રતિક્રિયા આપતાં મોટી વાત કરી દીધી છે કે અમારી પાસે મેયર માટે જરૂરી સંખ્યાના મત નથી, પરંતુ અમે હંમેશ ઇચ્છતા હતા કે અમારી પાર્ટીનો મેયર બને અને અમે હજુ પણ ઇચ્છીએ છીએ. અમારી પાર્ટીને મરાઠીઓ તેમજ અન્ય સમુદાયો તરફથી પણ મત મળ્યા છે. અમે આ જનાદેશ સ્વીકાર્યો છે. અમે લોકોનો આભાર માનીએ છીએ.
ઉત્તર ભારતીયોએ પણ અમને મત આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેની વાત પરથી લાગે છે કે તેઓ એકનાથ શિંદેને ભાજપનો સાથ છોડવા સમજાવી રહ્યા છે. જો એકનાથ શિંદે પોતાના ૨૯ નગરસેવકો સાથે ઉદ્ધવ ઠાકરેનો સાથ લે તો તેઓ ભાજપને મેયરપદથી વંચિત રાખીને શિવસેનાનો મેયર બનાવી શકે છે. જો એકનાથ શિંદે ભાજપ સાથે છેડો ફાડવા તૈયાર હોય તો શિવસેના (ઉદ્ધવ) ઉપરાંત એનસીપી અને કોંગ્રેસ પણ તેમને ટેકો આપી શકે છે.
બીએમસીના નવા મેયરની પસંદગી મ્યુનિસિપલ હાઉસમાં કાઉન્સિલરોના મતદાન દ્વારા કરવામાં આવશે. આ ચૂંટણી શહેર વહીવટીતંત્ર દ્વારા બોલાવવામાં આવેલી ખાસ બેઠકમાં થવાની સંભાવના છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ૨૮ જાન્યુઆરીના રોજ યોજાવાની ધારણા છે. એક મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું કે બધા ચૂંટાયેલા કાઉન્સિલરો મેયરપદ માટે મતદાન કરશે અને સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર મેયર તરીકે ચૂંટાશે.
સૌથી વધુ કાઉન્સિલરો ધરાવતી પાર્ટીના ઉમેદવાર માટે મેયર બનવું ફરજિયાત નથી, પરંતુ ભૂતકાળના અનુભવ દર્શાવે છે કે બહુમતી અથવા મજબૂત ગઠબંધન ધરાવતી પાર્ટી સામાન્ય રીતે આ પદ જીતી ગઈ છે.આ મેયરની ચૂંટણી પણ ખાસ છે, કારણ કે પ્રથમ વખત ૨૨૭ ચૂંટાયેલા કાઉન્સિલરોની સાથે ૧૦ નામાંકિત કાઉન્સિલરો હશે. માર્ચ ૨૦૨૩ માં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં નામાંકિત કાઉન્સિલરોની સંખ્યા પાંચથી વધારીને દસ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને નામાંકિત કાઉન્સિલરોનો મોટો હિસ્સો મળી શકે છે, જે મેયરની ચૂંટણીનાં પરિણામોને અસર કરી શકે છે.
ચૂંટણી પછી પોતાના પક્ષના કાર્યકરોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે કાઉન્સિલરોએ એક વખત પક્ષ બદલ્યો હતો. તેઓ ફરીથી એવું કરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે શિંદે જૂથમાંથી ચૂંટાયેલા ઘણા કાઉન્સિલરો મૂળ શિવસેના (UBT) ના કાઉન્સિલરો હતા અને ભાજપ પાસેથી મેયરપદ કબજે કરવા માટે તેઓ પક્ષપલટો કરી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ એ પણ સ્પષ્ટ કર્યું કે શિવસેના (UBT) મેયરને ચૂંટવાનું તેમનું સ્વપ્ન છે અને ભગવાનની ઇચ્છા હોય તો તે શક્ય બનશે. આવી મેયરની ચૂંટણીઓમાં શિવસેના (UBT) પણ પોતાનો દાવ રમી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.