ગૌતમ બુદ્ધ એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ ધરતી માતાની જેમ સહનશીલ બનવું જોઈએ અને માફી માંગવામાં સંકોચ ન રાખવો જોઈએ. ગુસ્સો એવી આગ છે, જેમાં ક્રોધ કરનાર બીજાને તો બાળે જ છે, પરંતુ તેની સાથે પોતે પણ બળે છે. સભામાં બેઠેલ એક વ્યક્તિ આ વાત સાંભળીને ગુસ્સે થઇને બુદ્ધને બોલવા લાગ્યો કે તું ઢોંગી છે, મોટી-મોટી વાતો કરીને લોકોને મૂંઝવે છે. તારી આવી વાતોનો આજના સમયમાં કોઇ અર્થ જ નથી. પેલા ગુસ્સાવાળી વ્યક્તિની આવી વાત સાંભળીને બુદ્ધે કોઇ પ્રતિક્રિયા આપી નહિ અને દુ:ખી પણ થયા નહિ.
આથી તે વ્યક્તિ વધારે ગુસ્સે થઇને બુદ્ધના મોઢા પર થૂંકીને જતો રહ્યો. બીજે દિવસે પોતાના આવા ખરાબ વર્તનને કારણે પેલી વ્યક્તિને ખૂબ પસ્તાવો થયો. તે બુદ્ધને મળવા પેલા સભાસ્થળ આગળ ગયો પણ બુદ્ધ તો તેમના શિષ્યો સાથે બીજા નગરમાં ચાલ્યા ગયા હતા. પેલી વ્યક્તિ શોધતાં શોધતાં બુદ્ધ પાસે પહોંચી ગયો અને બુદ્ધના પગમાં પડીને માફી માગવા લાગ્યો. બુદ્ધે કહ્યું કે તને તારી ભૂલ બદલ પસ્તાવો થાય છે. માટે હવે તું નિર્મળ થઇ ગયો છે. ગઇ કાલને ભૂલી જા અને આજમાં પ્રવેશ કર. તે વ્યક્તિનો બધો ભાર ઊતરી ગયો. તે બુદ્ધનો શિષ્ય થઇ ગયો અને તેના જીવનમાં સદાયને માટે સત્ય, પ્રેમ અને કરુણાનો ભાવ વહેવા લાગ્યો.
યુ.એસ.એ- ડૉ. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.