Vadodara

તાંદલજામાંથી નકલી પી.એસ.આઈ ઝડપાયો : જમીનના ધંધામાં ‘ખાખી’નો ખોટો રોફ ઝાડતો હતો

ખાખી યુનિફોર્મ, નકલી આઈકાર્ડ અને 222 સિક્કા મળ્યા


(પ્રતિનિધિ) વડોદરા, તા.20 :
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી ડુપ્લીકેટ પી.એસ.આઈ બની જમીનના સોદામાં મોટા તોડ કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. તાંદલજા રોડ પર કિસ્મત ચોકડી નજીક આવેલા અલકબીર બંગ્લોઝ નં. 3માં રેડ કરી પોલીસે નકલી પોલીસ અધિકારીના કારનામાનો પર્દાફાશ કર્યો છે. આરોપી પાસેથી ખાખી યુનિફોર્મ, પી.એસ.આઈના આઈકાર્ડ, નેમપ્લેટ, એરગન સહિત કુલ રૂ.26.42 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અલકબીર બંગ્લોઝમાં રહેતો મોબીન ઈકબાલભાઈ સોદાગર પોલીસ અધિકારી ન હોવા છતાં પોતે પી.એસ.આઈ હોવાનું ભાસ આપી રહ્યો છે. તે પોતાની નંબર પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડીઓમાં પોલીસ યુનિફોર્મ લટકાવી રાખતો હતો અને નકલી આઈકાર્ડ બતાવી જમીન લેવડદેવડમાં ધાક ધમકી આપતો હતો.
રેડ દરમિયાન પોલીસે મોબીન સોદાગરના ઘરેથી પી.એસ.આઈના બે નકલી આઈકાર્ડ, ખાખી વર્દી, નેમ પ્લેટ, એરગન, લેપટોપ, આવકના પ્રમાણપત્રો, ત્રણ મોબાઈલ અને સરકારી, અર્ધસરકારી તેમજ ખાનગી કચેરીઓના કુલ 222 સિક્કા જપ્ત કર્યા હતા.
ડુપ્લીકેટ દસ્તાવેજોથી ‘તોડ’ કરવાની રીત
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પાસે વિવિધ વ્યક્તિઓના આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણીકાર્ડ તેમજ અલગ-અલગ વાહનોની આર.સી. બુકો પણ મળી આવી છે. આ તમામ દસ્તાવેજો ખોટા હોવા છતાં તે સાચા તરીકે ઉપયોગમાં લેતો હતો.
એસઓજીએ આરોપી પાસેથી બે ફોર વ્હીલર કાર પણ કબજે કરી છે. સમગ્ર મુદ્દામાલની કિંમત રૂ.26.42 લાખ આંકવામાં આવી છે. આરોપી વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top