ઉત્તર જાપાનના વિસ્તારોમાં આજે એક મોટો ધરતીકંપ સર્જાયો હતો, જેના કારણે ટોકિયોમાં પણ ઇમારતો ધ્રુજી ગઇ હતી અને ઉત્તર કાંઠાના વિસ્તાર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. કોઇ મોટા નુકસાનના અહેવાલ નથી પણ ઘણા લોકોને મામૂલી ઇજાઓ થઇ છે.
યુએસ જીઓલોજિકલ સર્વે તરફથી આ ભૂકંપની તીવ્રતા ૭.૦ની માપવામાં આવી હતી અને તે પ૪ કિલોમીટરની ઉંડાઇએ સર્જાયો હોવાનું જણાવાયું હતું. સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૬.૧૦ કલાકના થોડા સમય પહેલા જ આ ભૂકંપ સર્જાયો હતો. આ ભૂકંપ મિયાગીના કાંઠે કેન્દ્રિત થયો હતો જે વિસ્તાર ૨૦૧૧ના મોટા ભૂકંપ વખતે ભારે નુકસાન પામ્યો હતો અને તે વખતે ૧૮૦૦૦ કરતા વધુ લોકો માર્યા ગયા હતા.
આજનો ભૂકંપ સર્જાયા પછી જાપાનની હવામાન એજન્સીએ મિયાગી પ્રીફ્રેકચર વિસ્તારમાં એક મીટર ઉંચાઇ સુધીના મોજાઓ સાથેની સુનામી સર્જાવાની ચેતવણી જારી કરી હતી, જો કે બાદમાં ૯૦ મિનીટ પછી આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.
જો કે જાપાનના એનએચકે ટેલિવિઝને જણાવ્યું હતું કે મિયાગીના કાંઠે સુનામી પહોંચી જ ગઇ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નુકસાનના તત્કાળ કોઇ અહેવાલ નથી. ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે મિયાગીમાં સાત જણાને ઇજા થઇ છે જ્યારે પાડોશના ઇવાટેમાં એક મહિલા પડી જતા તેનું મોં કપાઇ ગયું હતું.
કોઇની ઇજા ગંભીર જણાઇ નથી. જાપાન હવામાન વિભાગના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે આજના ભૂકંપને ૨૦૧૧ના ૯ની તીવ્રતાના ભૂકંપના આફટરશોક તરીકે માનવામાં આવે છે.
ભૂકંપને કારણે આ વિસ્તારમાં બુલેટ ટ્રેન સેવાઓ પણ રોકી દેવામાં આવી હતી એમ એનએચકેએ જણાવ્યું હતું. અણુ નિયંત્રક સત્તામંડળે જણાવ્યું હતું કે ફુકુશીમા ડાઇઇચી પ્લાન્ટ સહિત આ પ્રદેશના ન્યુક્લિયર પાવર પ્લાન્ટોમાં કોઇ અસામાન્યતા જોવા મળી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ આ વિસ્તારમાં થયેલ અન્ય એક શક્તિશાળી ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૧૮૦ કરતા વધુને ઇજા થઇ હતી.