વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આક્ષેપ કર્યો હતો કે ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજી ટોલાબાજી અને ભ્રષ્ટ લોકોથી ભરેલા પ્રશાસનનું વડપણ સંભાળી રહ્યા છે તો તેની સામે ઉગ્ર પ્રતિભાવ આપતા બંગાળી નેતાએ ભાજપને વિશ્વનો સૌથી મોટો ખંડણીખોર ગણાવ્યો હતો.
ખડગપુરમાં એક રેલીને સંબોધન કરતા મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર અંગત પ્રહાર કરતા કહ્યું હતું કે તેમનો ધારાસભ્ય ભત્રીજો અભિષેક બેનરજી જ્યાં ઉદ્યોગો ગભરાય છે તેવા આ રાજ્યમાં અભિષેક જ એક માત્ર બારી છે જે ઓળંગ્યા વિના કોઇ કામ થતા નથી.
વડાપ્રધાને આક્ષેપ કર્યો હતો કે બેનરજી મત બેન્કના રાજકારણ માટે ખેલા(રમત)માં સંડોવાયેલા છે. (બંગાળમાં) ઔદ્યોગિક એકમો બંધ થઇ રહ્યા છે. તમે જાણો છો બાકીનો દેશ ભાજપે રજૂ કરેલ સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ વિકસી રહ્યો છે ત્યારે બંગાળમાં પણ સિંગલ વિન્ડો સિસ્ટમ છે અને તે સિંગલ વિન્ડો ભાઇપો(ભત્રીજો) છે જેની ઓળંગ્યા વિના અહીં કોઇ કામ થતા નથી એમ મોદીએ કહ્યું હતું. બંગાળમાં તેમની આ બીજી ચૂંટણી સભા હતી.
બીજી બાજુ હલ્દીયામાં એક રેલીને સંબોધન કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે ભાજપ કે દુનિયાનો સૌથી મોટો તોલાબાજ(ખંડણીખોર) છે…ફકત પીએમ કેર્સ ફંડ હેઠળ તેણે ભેગા કરેલ નાણાની રકમ જુઓ.
જો પશ્ચિમ બંગાળના લોકો શાંતિ ઇચ્છતા હોય અને રમખાણોથી મુક્ત રાજ્ય ઇચ્છતા હોય તો તૃણમૂલ કોંગ્રેસ જ એક માત્ર વિકલ્પ છે એમ તેમણે કહ્યું હતું. વડાપ્રધાને બધું જ વેચી દીધું છે. તેમણે ભારતીય અર્થતંત્રનો સત્યાનાશ કરી નાખ્યો છે. સરકાર રેલવે, બીએસએનએલ, વીમા ક્ષેત્ર અને બેંકો બધાનું ખાનગીકરણ કરી રહી છે અને એક દિવસ હલ્દીયા ડોક પણ વેચાઇ જઇ શકે છે એમ મમતાએ કહ્યું હતું.