Dabhoi

ડભોઈમાં ગંદકી કરનાર માટે સીધી કોર્ટની કાર્યવાહી!

જાહેરમાં કચરો ફેંકતા ઝડપાયા તો દંડ નહીં, હવે કેસ અને સજા
ડભોઈ :
ડભોઈ શહેરને સ્વચ્છ રાખવા હવે નગરપાલિકાએ નરમાઈ છોડીને કડક વલણ અપનાવ્યું છે. જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી ફેલાવતા ઇસમો સામે સીધી કોર્ટમાં ફરિયાદ કરવા માટે નગરપાલિકાએ તખ્તો તૈયાર કરી દીધો છે. એટલે હવે “એક વખત ફેંકી દઈએ, કોણ જુએ છે?” એવી માનસિકતા ભારે પડી શકે છે.
ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા અંગે સતત પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક નગરજનો દ્વારા જાહેરમાં કચરો નાંખવાની આદત યથાવત રહેતા શહેરની સ્વચ્છતા અને નગરજનોનું સ્વાસ્થ્ય બંને જોખમમાં મુકાઈ રહ્યું છે.
ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ કડક કાર્યવાહી
આવા ગંદકી ફેલાવતા ઇસમો સામે હવે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 183(લ), 192, 193, 194 અને 195 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સીધી ફરિયાદ દાખલ કરવામાં આવશે.
નગરપાલિકાના સેનેટરી સુપરવાઇઝરને કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની સત્તા આપવામાં આવી છે, જ્યારે કેસમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની સહી અધિકૃત કરવામાં આવી છે.
હવે દંડ નહીં, કોર્ટના ધક્કા
હવે જો કોઈ ઇસમ જાહેરમાં કચરો ફેંકતા કે ગંદકી ફેલાવતા ઝડપાશે, તો માત્ર ચેતવણી કે દંડથી કામ નહીં ચાલે. આવા લોકોને કોર્ટના ધક્કા ખાવા પડશે અને કાયદાકીય સજા માટે પણ તૈયાર રહેવું પડશે.
નગરપાલિકાએ નગરજનોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે સૌએ સહકાર આપવો જરૂરી છે. નહીં તો સ્વચ્છતાના નામે નહીં, પરંતુ કાયદાના કોરડા માટે તૈયાર રહેવું પડશે.

Most Popular

To Top