ચાવી લેવા જેવી સામાન્ય બાબતે કરાયેલી હત્યા, અન્ય આરોપીઓ હજુ ફરાર
(પ્રતિનિધિ) વડોદરા, તા. 17
વડોદરાના મકરપુરા વિસ્તારમાં વાહનની ચાવી મુદ્દે થયેલા ઝઘડામાં યુવકની હત્યાના કેસમાં પિતા–પુત્ર સહિતના ત્રણ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રિમાન્ડ પૂર્ણ થતાં મેજિસ્ટ્રેટે ત્રણેય આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ આપ્યા છે. જોકે આ હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, મકરપુરા વિસ્તારના શિવશક્તિનગરમાં રહેતા અનુપભાઈ પટેલ પોતાના ભત્રીજાના જન્મદિવસમાં હાજરી આપ્યા બાદ નોકરીએ જવા નીકળ્યા હતા. આ દરમિયાન રાહુલ યાદવ સાથે વાહનની ચાવી લેવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં રાહુલ યાદવના પિતા મનુ યાદવ, સુભાષ યાદવ સહિત અન્ય લોકો ભેગા થઈ ગયા હતા અને અનુપભાઈ પર લાકડીઓથી હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમને ઉચકી લોખંડી ગ્રીલ સાથે માથું ભટકાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા, જેમાં તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ બાદ મકરપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને રાહુલ યાદવ, મનુ યાદવ અને સુભાષ યાદવની ધરપકડ કરી હતી. ત્રણેયને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેમાં બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.
હત્યાના ગુનામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિવારજનો દ્વારા તેમની ઓળખ આપવામાં આવી હોવા છતાં તેઓ હજુ સુધી ફરાર છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.