આજે શનિવારે સવારે ભટિંડાના ગુરથરી ગામ નજીક મુખ્ય માર્ગ પર એક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના એક મહિલા અધિકારી સહિત પાંચ લોકોના મોત થયા હતા. કાર ભટિંડાથી ડબવાલી જઈ રહી હતી.
અહેવાલો અનુસાર, ગુજરાતની મહિલા પોલીસ કર્મચારી અમિતા તેના ચાર મિત્રો અંકુશ, ભરત, ચેતન અને સતીશ સાથે ફોર્ચ્યુનર કારમાં ભટિંડાથી ગુજરાત જઈ રહી હતી. ફુલસ્પીડને કારણે કાર ગુરથડી ગામ નજીક મુખ્ય હાઇવે પર ડિવાઇડર સાથે અથડાઈ. પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. આ તમામ વાવ-થરાદ જિલ્લાનાં રહેવાસી હતાં. તમામની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે છે. થરાદના જેડતા ગામની અમિતાબેન મહિલા કોન્સ્ટેબલ હોવાનું જણાવાયું છે.

સ્થાનિક પોલીસ અધિક્ષક નરિન્દર સિંહે જણાવ્યું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયાં હતાં. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પાંચેય લોકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંચેય લોકો ગુજરાતથી પંજાબ ફરવા આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ પડતી સ્પીડ હોવાનું જણાય છે, જોકે પોલીસ તમામ દ્રષ્ટિકોણથી આ ઘટનાની તપાસ કરી રહી છે. આ દુ:ખદ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ગભરાઈ ગયા અને તાત્કાલિક મદદ માટે દોડી ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.