ગાંધીનગર: રાજય સરકાર રાજ્યના નાના અને મધ્યમ શહેરોને આધુનિક નાગરિક સુવિધાઓથી સજ્જ બનાવવા પ્રતિબદ્ધ છે. શહેરી વિસ્તરણ સાથે નવા જોડાતા વિસ્તારોમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, રોડ અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની અર્બન વિઝનને આગળ વધારતાં નવસારી મહાનગરપાલિકાએ ₹112 કરોડના ખર્ચે વ્યાપક પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્કનો અમલ શરૂ કર્યો છે.
1 જાન્યુઆરી 2025ના રોજ નવસારીમાં મહાનગરપાલિકા અમલમાં આવી હતી, જેમાં અગાઉના નવસારી-વિજલપોર પાલિકા વિસ્તાર સાથે ચાર ગામો—એરુ, ધારાગીરી, દાંતેજ અને હાંસાપોર—સમાવવામાં આવ્યા હતા. આ આઉટર વિસ્તારોમાં લાંબા સમયથી ચોખ્ખા પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનના અભાવને કારણે નાગરિકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા આશરે ₹112 કરોડના ખર્ચે નવું પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્ક વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં 25 હજારથી વધુ લોકોને પીવાના પાણીની સમસ્યા અને ગંદા પાણીના નિકાલની તકલીફમાંથી મોટી રાહત મળશે. ખાસ કરીને બાળકોમાં ફેલાતી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આધુનિક માળખાકીય સુવિધાઓથી શહેરને મળશે નવું સ્વરૂપ
પ્રોજેક્ટ અંતર્ગત તબક્કાવાર નવી પાણી અને ડ્રેનેજ પાઇપલાઇન, ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ સંપ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) તેમજ નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ કામગીરીથી નવસારીને સ્વચ્છ, સલામત અને આધુનિક શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાશે. આ ઉપરાંત, મહાનગરપાલિકામાં જોડાયેલા ચારેય ગામોમાં રોડ, સ્ટ્રીટ લાઇટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, પાણી પુરવઠા નેટવર્ક સાથે ગાર્ડન અને તળાવોનો વિકાસ, વિહારધામનું નિર્માણ, સિવિક સેન્ટર અને સ્વચ્છતા માટે ડસ્ટબિન વિતરણ જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.
“નવા વર્ષે પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન” – કમિશનર
નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, “નવા વર્ષે મહાનગરપાલિકા શહેરમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટોર્મ વોટર અને પાણી વ્યવસ્થાપન જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ જ ઉદ્દેશથી શહેરમાં જોડાયેલા ચાર ગામોમાં સમગ્ર પાણી અને ડ્રેનેજ નેટવર્ક વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રથમ ચરણમાં આ વિસ્તારોમાં ડ્રેનેજ અને વોટર સપ્લાયનું કામ પૂર્ણ કરાશે. પ્રોજેક્ટ નિર્ધારિત સમયરેખા મુજબ અમલમાં મૂકાઈ રહ્યો છે અને ટૂંક સમયમાં લોકો સુધી તેના લાભ પહોંચશે.”