ગાંધીનગર: છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોના સમયે તમામ લોકોના સેમ્પલની તપાસ કરવા માટે આપણે ભારતની એકમાત્ર પૂણે સ્થિત બી.એસ.એલ.-4 લેબનો ઉપયોગ કર્યો હતો.
COVID-19 ઉપરાંત, ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ (માનવમાં) અને લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ (પશુઓમાં) જેવા રોગો જોવા મળ્યા છે, જે બંને માટે બાયોસેફ્ટી લેવલ – 3 (BSL-3) અને તેથી ઉપરની સુવિધાઓ જરૂરી છે. ક્રિમિયન-કોન્ગો હેમરેજિક ફીવર (CCHF),લમ્પી, ચાંદીપુરા અને નિપાહ જેવા વાયરસના ખતરાને જોતા, અત્યંત જોખમી વાયરસ પર સંશોધન કરવા માટે દેશમાં અદ્યતન લેબોરેટરીની વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે. આ દિશામાં ગુજરાતે દેશમાં અગ્રેસર થઈ રાષ્ટ્રની દ્વિતીય અને ગુજરાતની પ્રથમ બી.એસ.એલ.-4 ફેસીલીટીના નિર્માણની દિશામાં વેગ પકડયો છે. ગુજરાતમાં આગામી સમયમાં પ્રથમ અદ્યતન બાયો કન્ટેનમેન્ટ ફેસીલીટી અંતર્ગત એનિમલ બાયોસેફ્ટી લેવલ ફેસીલીટી (ABSL)તેમજ બાયોસેફ્ટી લેવલ-4(BSL-4) લેબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

બાયોસેફ્ટી લેવલ-4 (BSL-4) એ જૈવિક સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર છે. આ લેબમાં અત્યંત ચેપી અને જીવલેણ, હવા દ્વારા સરળતાથી ફેલાઈ શકે તેવા વાયરસ અથવા બેક્ટેરિયા પર કામ કરવામાં આવે છે, જેની કોઈ રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ ન હોય. ગુજરાતમાં સરકાર હસ્તકના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) દ્વારા ગાંધીનગર ખાતે સેક્ટર -28 માં સ્થિત એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની બાજુમાં 14.21 એકર જમીનમાં આ અત્યાધુનિક લેબ વિકસાવવામાં આવી રહી છે. આ ફેસિલિટીમાં 271.90 ચો.મીમાં BSL-4 અને ABSL-4 પ્રયોગશાળા, 304.63 ચો.મીમાં BSL-3 અને BSL-3 ISO7 પ્રયોગશાળા તથા 407.91 ચો.મીમાં ABSL-3 તથા 898.19 ચો.મીમાં BSL-2 અને BSL-2 ISO7 પ્રયોગશાળા તથા ઇફ્લુએન્ટ ડી કન્ટમીનેશન અને અન્ય સપોર્ટ ફેસીલીટીસનુ નિર્માણ કરવામાં આવશે.