2 શખ્સની ધરપકડ, દારૂ સપ્લાયર અને મંગાવનાર સહિત 2 આરોપી વૉન્ટેડ જાહેર
વડોદરા, તા. 15
ઉતરાયણના તહેવાર દરમિયાન દારૂની રેલમછેલ કરવા બુટલેગરો દ્વારા મંગાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થા પર વડોદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવેલા ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કુલ રૂ.7 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપીને બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ઉતરાયણના તહેવાર પૂર્વે દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ અટકાવવા વડોદરા શહેર પોલીસ સતર્ક બની હતી. જેના ભાગરૂપે કપુરાઈ પોલીસે નેશનલ હાઈવે નંબર-48 પર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કચરાના ઢગલા અને મુસ્લિમ સમાજના કબ્રસ્તાન પાસે આવેલા ગંદા નાળા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક મહિન્દ્રા બોલેરો કારને રોકી તપાસ કરતાં ખાખી રંગના બોક્સમાંથી રૂ.5.44 લાખ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક ભુપેન્દ્ર ભારતસિંહ તોમર (રહે. બડી સરદી, પટેલ ફળીયું, તા. કઠીવાડા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી છે. દારૂ પૂરો પાડનાર બાપુસિંગ તોમર (રહે. બડી સરદી, અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને દારૂ મંગાવનાર સોનું (રહે. વોરા ગામડી, વડોદરા)ને વૉન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન ગોરવા પોલીસે ઝાંસી કી રાણી સર્કલ પાસેથી રૂ.1.59 લાખ કિંમતના વિદેશી દારૂ અને બિયર સાથે રાજ હરીશ ઠાકોર (રહે. બી/પી રેસકોર્સ સોસાયટી, ઝાંસી કી રાણી સર્કલ પાસે, ગોરવા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.