ગુજરાતમાં કોરોના(CORONA IN GUJARAT)થી ફફડાટ ફેલાયો છે, જેમાં સામાન્ય લોકોથી લઇ હવે રાજકીય સભા કરતા નેતા(POLITICAL LEADERS)ઓ પણ કોરોનની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે વડોદરાના સાંસદ (MP OF VADODARA) રંજનબેન ભટ્ટ અને ડભોઈના ધારાસભ્ય (MLA) સહિત કુલ 13 લોકો સંક્રમિત થતા ચકચાર મચી જવા પામી છે, કારણ કે ત્રણ દિવસ પહેલા જ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(C.R.PATIL)ને મળ્યા હતા અને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.
રંજનબેન ભટ્ટ દ્વારા પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર પોતાના પોઝિટિવ હોવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “મને પ્રાથમિક લક્ષણો જણાતા ગઈકાલે મેં RT – PCR ટેસ્ટ કરાવ્યો જે આજરોજ પોઝીટીવ આવેલ છે. જે માટે હું સાવચેતી ના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ થયેલ છું. તેથી મારી સાથે ગત દિવસોમાં સંપર્કમાં આવેલ દરેકને વિનંતિ છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવે.” અહીં એ નોંધવું ઘટે કે રંજન બેન સી.ર.પાટીલને મળ્યા ત્યારે અન્ય ત્રણ સાંસદ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા, અને ત્યાર બાદ કઈ કેટલા લોકો મળ્યા હતા, અને પાટીલ દ્વારા કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તુરંત બાદ રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો ફરી ઉભો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી ખતરનાક લહેર આવી ચૂકી છે, અને લોકોમાં ચર્ચા પણ છે કે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સુરતના મેયરે પોતે રસ્તા પર આવી લોકોને સમજાવાની ફરજ પણ પડી રહી છે. જો કે ચૂંટણીઓ બાદ નેતાઓના મેળાવડા, રેલીઓ, સંમેલનો હવે ધીમીધીમે લોકોને ભારે પડી રહ્યા હોય તેવું પણ જણાય રહ્યું છે. બીજી બાજુ ચૂંટણીઓ બાદ અનેક દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી હાલ મળી રહી છે. વિધાનસભા સત્ર ચાલું થયા બાદ મંત્રી, ધારાસભ્ય સહિત આઠ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં હાલ વડોદરાના સાંસદ રંજનબેનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે તેમના સંપર્કમાં આવેલા નેતાઓ પણ પોતાનો ટેસ્ટ કરાવે કે કેમ એ પણ એક પ્રશ્નાર્થ છે..
ઉલ્લેખનીય છે કે પોતે વેક્સીન માટે લોકોને સલાહ આપતી સરકારના પોતાના જ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. એટલું જ નહીં, આજે ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના પણ સમાચાર છે. ડભાઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાને લક્ષણો જણાતા તેમને RT-PCR કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેમનો રિપોર્ટ પણ આજે આવી ચૂક્યો છે. અને રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે. જો કે તેમની તબિયત હાલ સ્થિર છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતના અનેક મંત્રી, ધારાસભ્ય સહિત આઠ લોકો કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં મંત્રી ઈશ્વર પટેલ, બાબુભાઈ જમનાદાસ પટેલ, શૈલેષ મહેતા કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ અન્ય પાંચ ડેપ્યુટી સેક્રેટરી સચિવાલયમાં કોરોના સંક્રમિત થયા છે. એમ કુલ 13 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. અન્ય પાંચ કેસ બે મંત્રીઓના કાર્યાલયમાં પણ આવેલ છે. ત્યારે પેજ પ્રમુખના વિચાર સહિત રાજકીય સભા કરવામાં મસ્ત સી.આર.પાટિલના જન્મદિવસ નિમિત્તે થયેલા કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવો પણ પોતાનો ટેસ્ટ કરાવે અને અન્ય લોકોને સંક્રમિત થતા બચાવે એ જ હાલ સમયની માંગ છે.