સુરતમાં અરેરાટીપૂર્ણ ઘટના બની છે. અહીંના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી એક પરિવાર નીચે પટકાયું છે. પતંગનો દોરો વચ્ચે આવી જતા સંતુલન ગુમાવ્યા બાદ પરિવાર વાહન સાથે 70 ફૂટ નીચે પટકાયું હતું. પિતા-પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે માતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના પર્વએ સુરતમાં હૃદયદ્રાવક ઘટના બની હતી. એક પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાય ઓવર બ્રિજ પરથી નીચે પટકાયો હતો. આ પરિવાર બાઈક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરી વચ્ચે આવી હતી. દોરી હટાવવા જતા બાઈક ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બ્રિજથી 70 ફૂટ નીચે પડ્યા હતા.
આ દુર્ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું નીચે પટકાવાની સાથે જ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે માતાનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. માતા નીચે પાર્ક કરેલી રિક્ષા પર પડ્યા હતા, તેના લીધે તેનો જીવ બચ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ માતા સારવાર હેઠળ છે.
આ ઘટના 14મી જાન્યુઆરીએ સાંજે 5થી 6 વાગ્યાની આસપાસ બની હતી. ચંદ્રશેખર આઝાદ ફલાયઓવર બ્રિજ (જીલાની બ્રિજ) પરથી 35 વર્ખીય રેહાન તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો.
બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી રેહાનના શરીરને અડી હતી, તેથી રેહાને એક હાથથી દોરી હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્ટીયરીંગ પરનું સંતુલન ગુમાવ્યું હતું અને બાઈક પુલના ડિવાઈડર સાથે અથડાયું હતું. ત્યાર બાદ બાઈક સાથે ત્રણેય જણા બ્રિજથી 70 ફૂટ નીચે પટકાયા હતા.
આ ઘટનામાં રેહાન અને પુત્રી આયેશાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી રિક્ષા પર પડી હતી, તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માતના પગલે પિતા અને પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટના અંગેની જાણ થતા પોલીસ પણ દોડી ગઈ હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.